કચ્છ: ભુજમાં આજે દેવાધિદેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રી નિમિતે ભુજ શહેરમાં 3.5 કિલોમીટરની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ભુજના રસ્તા હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા.
મહાશિવરાત્રી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી: આ વખતે શોભાયાત્રામાં મહાકુંભ અને રામ મંદિર સહિતના 20 જેટલા ફ્લોટ્સે આકર્ષણ જમાવ્યું હતું. તો મોટી સંખ્યામાં ભાવિકો નાચતા-ગાતા આ શોભાયાત્રામાં જોડાયા હતા. રાજાશાહી સમયથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા શહેરમાં મહાશિવરાત્રી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી.
ભુજના પારેશ્વર ચોક ખાતેથી સાંસદ વિનોદ ચાવડાના હસ્તે શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યાત્રા માટે મુસ્લિમ સમાજ દ્વારા પણ શોભાયાત્રા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

મહાકુંભ, રામ મંદિર સહિતના ફ્લોટ્સે જમાવ્યું આકર્ષણ: 25 ફૂટની શંકર ભગવાનની મૂર્તિ, 5 ફૂટના શિવલિંગ, વેશભૂષા, રામ મંદિર અયોધ્યા, મહાકુંભ, છત્રપતિ શિવાજી મહારાજ સહિતના ફ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. તો ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના હમશકલ વ્યક્તિએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

ભુજમાં ભગવા ઝંડા લહેરાયા હતા. ભુજ શહેરના માર્ગો પર હર હર મહાદેવના નાદથી વડીલો, બાળકો, મહિલાઓ, મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા.

છેલ્લા 11 વર્ષથી સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજન: ઉલ્લેખનીય છે કે, ભુજ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા 75 વર્ષથી પણ વધુ જૂની પરંપરાને જાળવીને ભુજમાં દેવાધિદેવ મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રિની શોભાયાત્રા યોજવામાં આવે છે. જે હવે છેલ્લા 11 વર્ષથી ભુતનાથ સંસ્થાન ટ્રસ્ટના સહયોગથી સમસ્ત સનાતન હિન્દુ સમાજ શિવની ભક્તિમાં જોડાયો છે અને હવે આ શોભાયાત્રા લોકભાગીદારીથી યોજાઈ રહી છે.


શોભાયાત્રા બાદ મહાપ્રસાદનું આયોજન: આજે યોજાયેલી શોભાયાત્રામાં નાસિક ઢોલ, કચ્છી ઢોલ, ઓરકેસ્ટ્રા, ડીજે., બેન્ડ બાજા, લાઇવ ભજન સહિતના સંગીતના માધ્યમો પણ જોડાયા હતા. સૌ કોઈ આજે ભગવાન શિવ ભક્તિમાં લીન થઈ જઈને નાચતા-ગાતા હર્ષોલ્લાસભેર શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા બાદ દાતા સાંસદ વિનોદ ચાવડા, નવીનભાઈ આઇયા અને ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: