આણંદઃ આણંદના પેટલાદ ખાતે આવેલા તારાપુર-ધર્મજ હાઈવે પર આજે ગુરુવારે સવારે ભયાનક અકસ્માત થયો હતો. ઘટનામાં 15 થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં 3 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. ઓવરટેક કરવાના ચક્કરમાં લોકોના જીવ સાથે રમત કરી બેસતા ઘણા ચાલકો રોડ પર જોવા મળતા હોય છે. આવા જ ચક્કરમાં અહીં ભયાનક અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો પ્રમાણે, પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર આજે સવારે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ભરૂચના ઝાડેશ્વર ખાતે રહેતા 32 વર્ષના ધ્રુવ રુડાણી, રાજકોટના પંચવટી વિસ્તારમાં રહેતા 67 વર્ષના મનસુખ કોરાટ અને રાજકોટના કોઠારિયા રોડ પાસે રહેતા 39 વર્ષના કલ્પેશ જીયાણી નામના વ્યક્તિઓના મોત થયા છે.
ઘટના એવી રીતે બની હતી કે, ગુરુવારે સવારે રાજકોટથી સુરત તરફ તારાપુર-ધર્મજ હાઈવે પર જતી લક્ઝરી બસ આણંદ જિલ્લાના પેટલાદ નજીકના વડદલા પાટિયા પાસેથી પસાર થતી હતી. આ વખતે લક્ઝરી બસના ચાલકે આગળ જતી ટ્રકની ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે આ જ ટ્રકની પાછળ ભટકાઈ ગઈ જેની તે ઓવરટેક કરવા જઈ રહ્યો હતો. ચાલકની બેદરકારીને પગલે લક્ઝરી બસના તો કચ્ચરઘાણ વળી ગયા પરંતુ ત્રણ વ્યક્તિના જીવ ગયા હતા. આ ઉપરાંત આ ઘટનામાં 15થી વધુ વ્યક્તિ ઈજાગ્રસ્ત પણ થયા છે. બનાવની જાણકારી મળતા તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે લક્ઝરી બસનો ચાલક સોહેલ યાસિનભાઈ મલેક હતો. તે અમરેલીનો રહેવાસી છે. પોલીસે તેની સામે ફરિયાદ નોંધાવી છે. આ અંગે ટ્રક ડ્રાઈવર ઘનશ્યામસિંહ ઝાલાની ફરિયાદ પોલીસે નોંધી હતી. ટ્રક ડ્રાઈવરની ફરિયાદ પ્રમાણે તેણે કહ્યું હતું કે, હું વડદલા પાટિયા પાસેથી પસાર થતો હતો ત્યારે મારા ટ્રકની પાછળ આ લક્ઝરી બસ ઘૂસી ગઈ હતી.