જામનગરઃ આ વખતે મકરસંક્રાંતિ પર બજારમાં ઘણી નવી વસ્તુઓ આવી છે. જેમકે ચકરી (ફીરકી અથવા ચરખી) જે બટનની મદદથી આપો આપ ફરે છે. જેને ઇલેક્ટ્રીક ચકરી તરીકે ઓળખવામાં આવે છે. પતંગની નીચે લટકતી ઈલેક્ટ્રીક સ્ટ્રાઈપ જે રંગબેરંગી લાઈટ્સથી ઝગમગી ઊઠે છે.
કઈ કઈ ખાસ વેરાયટીઝ મળશે?
ચાર લાકડીઓની પતંગ, અંધારામાં ચમકતી છત્રી, હનુમાનજી, સ્પાઇડરમેન, ભૂત અને અન્ય ઘણા પ્રકારના લાઈટોથી ઝગમતા ચિહ્નો, ઉંદર અને બિલાડી સાથેના બાળકોના માથાની ટોપીઓ વગેરે. એક સમય હતો જ્યારે પતંગ ઉડાડવાની દોરી રૂપિયા 10 માં મળતી હતી. હવે મોંઘવારીને કારણે બ્રાન્ડના નામે હજાર રૂપિયા સુધીની દોરીઓ મળે છે. પતંગના ભાવની સ્થિતિ પણ આવી છે. ગુજરાતમાં નડિયાદ અને ખંભાત પતંગ માટે ખૂબ પ્રખ્યાત છે, પરંતુ ખંભાતના પતંગો બધાને પાછળ છોડીને મોંઘા થઈ રહ્યા છે. નવાઈની વાત એ છે કે આટલા મોંઘા પતંગ હોવા છતાં બજારમાં માલની અછત જોવા મળે છે.
અલ્લુ અર્જુન અને ચંદ્રયાન પણ ટ્રેન્ડમાં
આ વખતે પતંગની વેરાઈટિઝની વાત કરીએ તો પુષ્પા ટુ મુવી અને ચંદ્રયાન થીમ પર પતંગો બનાવવામાં આવ્યા છે. સાથે સાથે બાળકોના પ્રિય tom and jerry, chhota bheem સહિતના પતંગો બજારમાં જોવા મળી રહ્યા છે.
દરેક તહેવારની જેમ આ વખતે પણ મકરસંક્રાંતિ પર મોંઘવારીનો માર જોવા મળે તો નવાઈ નહીં. પતંગ અને દોરીના ભાવમાં 10 થી 15 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. માર્કેટમાં અગાઉ કરતા ભાવોમાં ગ્રાહકોને અલગ અલગ વસ્તુઓ અને વેરાઈટિઝ પર ભાવ વધારો જોવા મળી શકે છે.
જોકે ચાઈનીઝ દોરી ચૂપચાપ વેચાય નહીં, કાચ પીવડાયેલી દોરીઓ વેચાય નહીં, ચાઈનીઝ તુક્કલ વેચાય નહીં તે માટે લોકો સતત ચિંતા કરી રહ્યા છે અને તંત્ર દ્વારા ચાઈનીઝ દોરી સહિતની જોખમી વસ્તુઓનું વેચાણ અટકાવવા માટે પગલાં લેવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.