કચ્છ: ઓલ ઇન્ડિયા યૂથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચીબ 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે મુન્દ્રા ખાતે "નોકરી દો નશા નહીં" કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું હતું અને અદાણી પોર્ટ ખાતે "નોકરી દો નશો નહી" ના નાદ સાથે અદાણી પોર્ટ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ અદાણી પર વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા હતા.
ડ્રગ્સનાં લીધે યુવાનોને બરબાદ કરવા માટેનું ષડયંત્ર: મુન્દ્રા ખાતેની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે,'ગુજરાત રાજ્યમાં યુવાનોની અનેક સમસ્યા છે, જેમાં આજના યુવાનો પાસે નોકરી નથી અને સરકાર ઉલટાનું યુવાનોને નશાના રવાડે ચડાવીને યુવાનોને બરબાદ કરવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.'
બેફામ રીતે ડ્રગ્સનું મોટા પ્રમાણમાં કારોબાર: ખાસ કરીને આજના સમયમાં નશાનું પ્રમાણ વધતું જાય છે, તેના લીધે પારિવારિક રીતે ગંભીર અસર થાય છે. જેથી કરીને અનેક કુટુંબો બરબાદ થઈ રહ્યા છે, ગુજરાતની અંદર છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ બેફામ રીતે ડ્રગ્સ મોટા પ્રમાણમાં ગુજરાત રાજ્યમાંથી અને ખાસ કરીને અદાણી પોર્ટ પરથી મળી રહ્યું છે તે ક્યાંકને ક્યાંક સરકારના ઇશારે કામ થઈ રહ્યું છે તેવા આરોપ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.
"નોકરી દો નશા નહીં “ કેમ્પેઇન લોન્ચ: કચ્છના અદાણી પોર્ટ પરથી 50,000 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સ મળી આવ્યું છે. તો સાથે જ કચ્છની અંદર બેરોજગારોની સંખ્યા પણ 2 લાખથી પણ વધારે છે ત્યારે સરકારે કચ્છની અંદર અનેક કંપનીઓને જમીન આપી છે ત્યારે સ્થાનિક યુવાનોને તેમાં રોજગારી પણ અપાવી જોઈએ. અખીલ ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચીબના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને અદાણી પોર્ટ વિરૂદ્ધ "નોકરી દો નશા નહીં “ કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું હતું.
અદાણી પોર્ટ એ ડ્રગ્સનું એપીસેન્ટર બની રહ્યું છે: ઉદયભાનુ ચીબે જણાવ્યું હતું કે, 'મુન્દ્રા પોર્ટ પરથી છેલ્લા થોડાક વર્ષોમાં 50 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. તો અદાણી પોર્ટ આજે ડ્રગ્સનો પ્રવેશ દ્વાર બન્યું છે. અદાણી દેશના વડાપ્રધાનના ખાસ મિત્ર છે માટે તેની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નથી આવી રહી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. તો પૂરા દેશમાં ડ્રગ્સની ડીલરશિપ પણ અદાણી કરી રહી છે. અદાણી પોર્ટ છે તે ડ્રગ્સનું એપીસેન્ટર બની રહ્યું છે.'
કોંગ્રેસના કોઈ વ્યક્તિ ડ્રગ્સ સાથે સંકળાયેલ હોય તો તેની પણ ધરપકડ કરો: દેશમાં સૌથી વધુ ડ્રગ્સ કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી જપ્ત કરવામાં આવ્યું છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે તે દેશ માટે મોટો ખતરો છે. જો આ ડ્રગ્સની હેરાફેરીમાં કોંગ્રેસનો કે કોઈ પણ અલાયન્સનો કોઈ વ્યક્તિ આ ડ્રગ્સ પ્રકરણમાં સંકળાયેલ હોય તો તેની પણ ધરપકડ કરવામાં આવે.
અદાણી પોર્ટ પરથી જે ડ્રગ્સ પકડાય છે તેના માટે અદાણી જવાબદાર: ખરેખર તો ભાજપની સરકાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાગવું પડશે અને અહીં ડ્રગ્સ આવતું અટકાવવું પડશે. અદાણી પોર્ટ પરથી જે ડ્રગ્સ પકડાય છે તેના માટે અદાણી જવાબદાર છે. તો દેશના વડાપ્રધાનની જવાબદારી છે કે દેશની અંદર ડ્રગ્સ ના આવે અને અદાણી પોર્ટ પર ડ્રગ્સ મળી આવે છે ત્યારે ત્યાંના અધિકારીઓની પણ ત્યાંથી બદલી કરી નાખવામાં આવતી હોય છે. તો પોર્ટ પર જે CISF સુરક્ષા હોય છે, તે અદાણી પોર્ટ પર છે જ નહીં માટે અદાણી પોર્ટ પર સુરક્ષા વધવી જોઈએ.
મુન્દ્રા પોર્ટ પર 5 ટકા પણ સ્થાનિક લોકોને રોજગારી નથી મળી: કોંગ્રેસ દ્વારા અદાણી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો અદાણી પોર્ટ પર મુન્દ્રાના સ્થાનિક 5 ટકા લોકોને પણ રોજગારી નથી મળી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. ભારતના યુવાનોને રોજગારી આપવાની જવાબદારી સરકારની છે. સરકારે માત્ર પોર્ટ પર નહીં પરંતુ બોર્ડર વિસ્તારમાં પણ થઈ રહેલા ડ્રગ્સની હેરાફેરી રોકવી જરૂરી છે. અને અદાણીને જેલમાં નાખવામાં આવે તેવી માંગ કોંગ્રેસે કરી હતી.'
આ પણ વાંચો: