ભારે વરસાદને કારણે ગીરનારને વાદળાનું આલિંગન, ભવનાથમાં ઝરણાનું ખળખળ - જૂનાગઢ ગીરનાર
🎬 Watch Now: Feature Video
મંગળવારે સવારના સમયથી જુનાગઢ શહેર અને ગીરનાર પર્વત પર વરસાદી (Monsoon in Junagadh) વાતાવરણ સર્જાયું હતું. સવારના 10થી લઈને બપોરના 12:00 વાગ્યા સુધી ધોધમાર વરસાદ પડતા જુનાગઢ (Junagadh Rain Fall) શહેરના માર્ગો સ્વિમિંગ પૂલ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. બીજી તરફ અતિ ભારે વરસાદને કારણે ગીરનાર પર્વત પર પણ ખૂબ પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. તે ભવનાથ તળેટી તરફ આવતો જોવા મળ્યો હતો. જેને કારણે ભવનાથ તળેટીના તમામ નદી નાળા છલકાઈ ગયા હતા. ગીરનાર પર્વત પર પડેલા અતિભારે વરસાદને કારણે કુદરતી પ્રકૃતિ પણ જાણે કે સોળે કળાએ ખીલી હોય એવું મસ્ત વાતાવરણ જૂનાગઢમાં જોવા મળ્યું છે. જોકે, શિયાળામાં અને ચોમાસામાં ગીરનારનો કુદરતી નજારો જોવા જ નહીં પણ માણવા લાયક હોય છે. શિયાળામાં જાણે ધુમ્મસ ગીરનારની શોભા વધારતા હોય એવું લાગે. જ્યારે ચોમાસા જાણે વર્ષારાણી અભિષેક કરવા ઊતર્યા હોય એવો માહોલ જોવા મળે છે. આ સમગ્ર માહોલ પર કવિ મનોજ ખંડેરિયાની ગઝલના કેટલાક શેર બંધબેસે છે. ચડું છું જે પગથિયાં એક ક્ષણમાં ગૂમ થઈ જાતાં અને પૂરી ન થાતી કેમે એવી આ નિસરણી છે, મળે છે સ્વચ્છ તડકો-ચાંદની-ઝાકળ ને વર્ષાજળ, ગગન આખુંય જાણે એક ગળણી નીલ-વરણી છે. કહો આથી વધુ શું જિંદગીમાં જોઈએ બીજું ? ગઝલ છે, ગીર છે, ગિરનાર છે, સોરઠની ધરણી છે.
Last Updated : Jul 5, 2022, 10:59 PM IST