સ્કૂલ બસને ટ્રકે ટક્કર મારતાં 13 વિદ્યાર્થીઓ થયા ઈજાગ્રસ્ત, એક વિદ્યાર્થીનું થયું મોત - પંજાબમાં અકસ્માત થયો
🎬 Watch Now: Feature Video
પંજાબ: હોશિયારપુર જિલ્લાના દસુહા વિધાનસભા મતવિસ્તાર પાસે એક ખાનગી સ્કૂલ બસ સાથે ભયંકર (Accident In Punjab) અકસ્માત થયો હતો. સ્કૂલ બસને પાછળથી આવી રહેલા એક ટ્રકે ટક્કર મારી હતી. જેના કારણે બસમાં સવાર 13 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. સ્કૂલ બસમાં લગભગ 40 બાળકો હતા. આ અકસ્માતમાં બસ સુપરવાઈઝર અને બે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને જાલંધરની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોત થયું છે. મળતી માહિતી મુજબ, દસુહાની સેન્ટ પોલ કોન્વેન્ટ સ્કૂલની બસ વિવિધ ગામના બાળકો સાથે શાળાએ જઈ રહી હતી. જ્યારે બસ સ્કૂલથી થોડે દૂર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે પહોંચી ત્યારે પાછળથી આવતી એક ટ્રકે તેને ટક્કર મારી હતી. બસને પાછળના ભાગેથી ભારે નુકસાન થયું હતું. હાલ તો ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે, મૃતક વિદ્યાર્થીના માતા-પિતાના નિવેદન બાદ તેમણે ફરાર ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેની શોધ ચાલી રહી છે.