નવસારી: મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર દેવ ચૌધરીએ આજે મંગળવારે મહાનગરપાલિકાનું પ્રથમ ફૂલ ગુલાબી બજેટ રજૂ કર્યું હતું. બજેટ સભામાં ઔપચારિકતાથી દૂર રહી, રાષ્ટ્રગીત ગાવાનું પણ અધિકારીઓ ભૂલ્યા હતા. બજેટ સભામાં આવતાની સાથે જ કમિશનર દેવ ચૌધરીએ નવસારી મહાનગર પાલિકાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું.
શહેરના વિકાસને નવ વિભાગોમાં વહેંચણી કરીને મહાનગરપાલિકાનું 34.14 કરોડ રૂપિયાની પુરાંત સાથેનું 847.13 કરોડ રૂપિયાનું જમ્બો બજેટ રજૂ કરાયું હતું. બજેટમાં શહેરની પ્રાથમિક જરૂરિયાતોને પૂરી કરવા માટે કટિબદ્ધતા દાખવવામાં આવી છે. મહાનગર પાલિકાના પ્રથમ બજેટમાં શહેરીજનોને રાહત રહી છે, કારણ કે, કોઈપણ વેરામાં વધારો થયો નથી. જ્યારે શહેરને સ્માર્ટ લાઇબ્રેરી, સ્માર્ટ આંગણવાડી, આઇકોનિક એપ્રોચ રોડ, સાયન્સ લેબ, યોગા સેન્ટર, નવી શાકભાજી માર્કેટ, સ્પોર્ટ કોમ્પ્લેક્સ, પાંજરાપોળ, વેન્ડર ઝોન, મલ્ટી લેવલ પાર્કિંગ, કડિયા નાકા, તળાવ બ્યુટીફિકેશન વગેરેની ભેટ મળશે.
નવસારી મનપાના બજેટની હાઈલાઈટ્સ
- મહાનગર પાલિકા બન્યા બાદ નવસારી મનપાનું પ્રથમ બજેટ
- વર્ષ 2025-26નું 847.13 કરોડ રૂપિયાનું પ્રથમ બજેટ રજૂ
- કમિશનર દેવ ચૌધરીએ મહાનગર પાલિકાનું પ્રથમ બજેટ કર્યુ રજૂ
- ગત વર્ષના બજેટ કરતાં 126 ટકાના વધારા સાથે 847.13 કરોડનું બજેટ થયુ રજૂ
- બજેટમાં નવા કોઈ ટેક્સ નખાયા નથી
- બજેટમાં 34.14 કરોડની પુરાંત દર્શાવાઈ
- બજેટમાં શહેરને 9 ભાગોમાં વહેંચી વિકાસ કામોનો સમાવેશ કરાયો
- શહેરના બે રસ્તાને આઇકોનિક એપ્રોચ રોડ તરીકે 12.40 કરોડના ખર્ચે વિકસાવાશે
- શહેરના વિરાવળથી જકાતનાકાથી પૂર્ણા નદીના પુલ સુધી, ગ્રીડથી તીઘરા જકાત નાકાથી ઇટાળવા સુધીના બે રસ્તા આઇકોનિક એપ્રોચ હેઠળ વિકસાવાશે
- શહેરમાં અધુરા રીંગ રોડમાં નવો રીંગ રોડ જોડવાનું આયોજન
- શહેરના રીંગ રોડને ભેંસત ખાડાથી ધારાગીરી હાઈવે સુધી લંબાવાનું આયોજન
શહેરીજનોને નવા નવસારીનો અનુભવ થશે !
બજેટમાં મહાનગર પાલિકાએ શહેરના જુના અધૂરા રીંગરોડને જ આગળ વધારવાની કામગીરી હાથમાં લીધી છે. વેરાવળ જકાતનાકાથી ભેંસતખાડા સુધીના રીંગરોડને પાલિકા ક્લિયર કરાવી શકી ન હતી. મહાનગર પાલિકામાં પણ આ રીંગરોડ પર મોટાભાગે પાર્કિંગ રહે છે, ત્યારે ભેંસતખાડાથી ધારાગીરી હાઇવેને જોડનાર રીંગરોડની જાહેરાત કરવામાં આવી છે. મહત્વની વાત છે કે, પાલિકા સમયના કરોડોના પ્રોજેક્ટ જે ક્યારેય શહેરીજનોને ઉપયોગી થઈ શક્યા નથી તેને કાર્યરત કરવા માટે પણ આ બજેટમાં કોઈ વિચારણા કરવામાં આવી નથી. જોકે મહાનગર પાલિકા બનતા શહેરીજનોને નવા નવસારીનો અનુભવ થશે એવો આશાવાદ સેવામાં આવ્યો છે.

કોંગ્રેસે કહ્યું બજેટમાં સુંદર સપનાઓ બતાવાયા
કોંગ્રેસે મહાપાલિકાના પ્રથમ રજૂ થયેલા બજેટને ગત વર્ષોના જેમ અગાઉના બજેટમાં જે સુંદર સપનાઓ બતાવવામાં આવ્યા હતા તેજ ફરી વખત બતાવવામાં આવ્યા છે, આ બજેટમાં શહેરની મૂળ સમસ્યા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પૂરના પાણી થી હજારો લોકો પ્રભાવિત થાય છે અને પોણા ભાગનું શહેર જ્યારે પાણીમાં ડૂબી જાય છે તે મુદ્દે કોઈ આયોજન કરવામાં આવ્યું નથી, સાથે શહેરીજનોને શુદ્ધ પીવાનું પાણી અને ડ્રેનેજને લગતી સમસ્યા વર્ષોથી સતાવી રહી છે, તેનું પણ કોઈ યોગ્ય બજેટ ફાળવવામાં આવ્યું નથી
નવસારી શહેરનો જે પ્રમાણે એરીયા વધી રહ્યો છે તે જોતાં આ બજેટથી શહેરીજનોની આ વર્ષ દરમિયાન કોઈપણ સમસ્યાઓનું નિરાકરણ આવે તેવું લાગતું નથી. જેથી મહાપાલિકાએ બજેટ રજૂ કરવા પહેલાં શહેરની મુખ્ય સમસ્યાઓને ધ્યાનમાં રાખી શહેરીજનોને મુશ્કેલી માંથી બહાર લાવવાનું પ્રાધાન્ય આપવું જોઈએ.