ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞની પૂર્ણાહુતિ, 16 દિવસમાં 700 શ્લોકથી 1 લાખ ચંડીપાઠ - લક્ષચંડી મહાયજ્ઞ
🎬 Watch Now: Feature Video
ઊંઝાઃ ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સની આજે સાંજે પૂર્ણાહુતિ થઈ હતી. અહીં મહાયજ્ઞ કુંડમાં આહુતિ આપ્યા બાદ યજ્ઞ પૂર્ણાહૂતિનો હોમ થયો હતો. મહાયજ્ઞના ચોથા દિવસે શનિવારે 10 લાખથી વધુ લોકોએ ઉમિયા મંદિરમાં દર્શન કર્યાં હતાં. આશરે 800 વીઘા વિસ્તારમાં ફેલાયેલા ઉમિયાનગરમાં 18મી ડિસેમ્બરથી શરૂ થયેલા લક્ષચંડી મહાયજ્ઞમાં અત્યાર સુધીમાં 45 લાખથી વધુ લોકો આવ્યાં હતાં. પાટીદારોને લઈ જવા માટે સોલા ઉમિયા કેમ્પસ, વસ્ત્રાલ અને નરોડાથી સ્પેશિયલ બસો મૂકાઈ છે. જો કે, ઊંઝા આસપાસના લોકોને ધસારો રહ્યો હતો. આ મહોત્સવ સંકુલમાં સૌથી વધારે ધસારો શનિવારે થયો હતો, જેને લીધે સવારથી ઉમિયાધામ આસપાસના માર્ગો પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. આજે રવિવારે લક્ષચંડી મહાયજ્ઞની પૂર્ણાહૂતિ થઈ હતી. ન ભૂતો ન ભવિષ્યતિ ઋષિકાળ જેવા વૈદિક લક્ષચંડી મહાયજ્ઞમાં બ્રાહ્મણ યજમાન સહિત 109 યજમાનો મહાયજ્ઞમાં બેઠા હતા. લક્ષચંડી માટે 25 વીઘા વિસ્તારમાં 51 શક્તિપીઠના પ્રતિક મંદિર સાથે 3500 લોકો એકસાથે બેસી શકે તેવી 81 ફૂટ ઊંચી યજ્ઞશાળા બનાવાઈ હતી. આ મહાયજ્ઞ પૂર્વે માઁ ઉમિયાની દિવ્ય જ્યોતની સાક્ષીએ ઉમિયા બાગમાં 16 દિવસ સુધી 1100 પ્રકાંડ પંડિતોએ દુર્ગા સપ્તસતિના 700 શ્લોકથી એક લાખ ચંડીપાઠ કર્યા હતા. આ અંગે દેવસ્થાન સમિતિના જણાવ્યા મુજબ, શનિવારે આશરે 6 લાખ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો, જ્યારે મંદિરમાં સાડા ચારથી પાંચ લાખ લોકોએ દર્શનનો લાભ લીધો હતો. ઉમિયાનગરમાં 15થી 20 લાખ લોકો ભોજનનો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.