મહેસાણાઃ પ્રયાગરાજમાં ભીડની ધક્કામુક્કીમાં મૃત્યુ પામનારા મૃતકને વતન લાવ્યા છે. વિસનગરના કડા ગામ ખાતે મહેશ પટેલના મૃતદેહને લવાયો હતો. મૂળ સુરતના મહેશ પટેલનું ભીડમાં ધક્કામુક્કી દરમિયાન મૃત્યુ થયું હતું.
40 શ્રદ્ધાળુઓમાંથી ભીડનો ભોગ મહેશ પટેલ બન્યા
પ્રયાગરાજ મહાકુંભમાં આકસ્મિક મોતને ભેટેલા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા કડા ગામના યાત્રાળુ મહેશ પટેલનો મૃતદેહ તેમના વતન કડા ગામે લાવવામાં આવ્યો હતો. પ્રયાગરાજના મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા ગયેલા મહેશ પટેલ અમદાવાદથી પોતાના સગા-વહાલા સાથે પ્રયાગરાજ ગયા હતા. મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા ગયેલા મહેશ પટેલ પોતાના સાળા રમેશ પટેલ સહિત 40 શ્રદ્ધાળુઓ સાથે સ્નાન કરવા ગયા હતા. જોકે પ્રથમ દિવસે ગંગા સ્નાન બાદ ત્રિવેણી સંગમનું સ્નાન કરવા જતા ભીડના ભારે ઘસારાના કારણે મહેશ પટેલ અને તેમના સાળા રમેશ પટેલ સહિત અનેક લોકો ભીડના ધક્કાથી નીચે પટકાયા હતા.
ત્યારબાદ યાત્રાળુઓની ભીડના પ્રવાહમાં મહેશ પટેલ ઊભા થઇ શક્યા નહીં અને ગંભીર રીતે ઘાયલ થયા હતા, પરંતુ તેમને સમયસર સારવાર ના મળતા ભીડની ધક્કામુક્કીમાં મહેશ પટેલનું મૃત્યુ થયું હતું. તેમની સાથે અન્ય 40 જેટલા શ્રદ્ધાળુઓનો આબાદ બચાવ થયો હતો. આજે વતન કડા ખાતે મહેશ પટેલનો મૃતદેહ લાવતા પરિવારજનોનું હૈયાફાટ રુદન હતું અને પ્રયાગરાજના પ્રવાસીનું ભારે ભીડમાં મૃત્યુના પગલે વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કડા ગામ પહોંચી પરિજનોને સાંત્વના આપી હતી.