સરકારનો કંપનીઓને પરિપત્ર, 50 ટકા ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલોને આપવો પડશે
🎬 Watch Now: Feature Video
વડોદરા: કોરોનાની સારવાર દરમિયાન હવે ગુજરાતમાં ક્યાંય કોઇ હોસ્પિટલમાં ઓક્સિજનના પુરવઠો ખૂટશે નહીં. કારણ કે રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને ઓક્સિજન બનાવતી કંપનીઓને પોતાના ઉત્પાદનનો 50 ટકા જથ્થો મેડિકલ હેતુ માટે જ પૂરો પાડવો તેવો સ્પષ્ટ આદેશ કર્યો છે. જેને પગલે વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં 13 હજાર લિટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક ઉભી કરવામાં આવી છે. જો હોસ્પિટલ્સને વધુ ઓક્સિજનની જરૂર પડે તો આ જથ્થાની ટકાવારી 50 ટકાથી પણ વધારી શકાય છે. વડોદરામાં સપ્ટેમ્બરમાં જ બે વાર ગોત્રી હોસ્પિટલમાં ઓક્સિજનની કટોકટી ઉભી થઇ હતી. લોકડાઉન બાદ શરૂ થયેલા ઉદ્યોગોમાં ઓક્સિજનની માગ વધતા હોસ્પિટલોમાં જથ્થો આવી શક્યો ન હતો. ગોત્રી હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.શીતલ મિસ્ત્રીએ કોરોના OSD ડો. વિનોદ રાવનું ધ્યાન દોરતાં વડોદરાથી સરકારમાં આ મુદ્દે અસરકારક રજૂઆત થઇ હતી. હોસ્પિટલોને ઓક્સિજન યોગ્ય રીતે પહોંચે છે કે, નહીં તેની જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશ્નરને અપાઈ હતી. આ બાબતે વડોદરામાં અનિયમિતતા આવતા તેમને શો કોઝ નોટિસ પણ ફટકારાઇ હતી. રાજ્ય સરકારના પરિપત્ર બાદ હવે ઓક્સિજન કંપનીઓ હરકતમાં આવી ગઇ છે અને વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં રાતોરાત 13 હજાર લિટર ઓક્સિજનની ટેન્ક ઉભી કરવામાં આવી છે.