વડોદરામાં હેલ્મેટ વગર ફરનાર દિકરાનું બાઈક ડિટેઈન, પિતાએ રસ્તા પર સુઈને વિરોધ કર્યો - વડોદરા
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ તા 1લી નવેમ્બરથી અમલમાં આવેલા ટ્રાફિકના નવા કાયદા સામે લોકોમાં ભારે રોષ છે. ત્યારે હેલ્મેટ પહેર્યા વગર કોલેજ જવા નીકળેલા વિદ્યાર્થીનું પોલીસે વાહન ડિટેઇન કરતા દોડી આવેલા પિતાએ રોડ ઉપર સૂઇ ભારે હોબાળો મચાવ્યો હતો. એક કલાક સુધી હોબાળો મચાવનાર પિતાની પોલીસે અટકાયત કરી હતી. આ બનાવની વિગત એવી છે કે, શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલ એ-6, ક્રિષ્ણાપાર્ક સોસાયટીમાં તુષારભાઇ શાહ પરિવાર સાથે રહે છે. અને ફોટો ગ્રાફીનો વ્યવસાય કરે છે. સોમવાર બપોરે તેમનો પુત્ર હેલ્મેટ પહેર્યા વિના ટુ-વ્હિલર લઇને કોલેજ જતો હતો. દરમિયાન સયાજીગંજ કાલાઘોડા પાસે ટ્રાફિક પોલીસે રોક્યો હતો. અને નવા ટ્રાફિક નિયમ મુજબ દંડ ભરવા જણાવ્યું હતું. સ્ટુડન્ટે હાલ પૈસા ન હોવાનું જણાવતા પોલીસે ટુ-વ્હિલર જમા કરી લીધું હતું. અને દંડ ભરીને ટુ-વ્હિલર છોડાવી જવા માટે જણાવ્યું હતું. પોલીસે વાહન ડિટેઈન કરતા યુવાને તેના પિતા તુષારભાઇ શાહને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અને હોબાળો મચાવી રોડ પર સુઇ ગયા હતા. અને નવા ટ્રાફિકના નિયમોનો વિરોધ કર્યો હતો. વાહનોથી ધમધમતા માર્ગ પર સુઇને નવા ટ્રાફિક નિયમોનો વિરોધ કરતા તુષારભાઇએ આસપાસના લોકોનું ધ્યાન ખેચ્યું હતું. પસાર થતાં વાહન ચાલકો પોતાના વાહન ઉભા કરીને તમાશો જોવા ઉભા રહી ગયા હતા. આ અંગેની જાણ રાવપુરા પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને તુષારભાઇની અટકાયત કરી પોલીસ મથકમાં લઇ ગઇ હતી. તુષારભાઇ શાહે જણાવ્યું કે, પોલીસનો પગાર કાઢવા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. વિરોધ કરવા પાછળનું કારણ લોકોને જાગૃત કરવાનો છે.