બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર - ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી શહેરી વિસ્તારના લોકો અને ગ્રામીણ વિસ્તારના ખેડૂતો વરસાદની રાહ જોઇને બેઠા હતા. ત્યારે આજે શનિવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં ઘણા સમયથી વરસાદ ખેંચાયો હતો. જેના કારણે ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી પોતાના ખેતરમાં જે વાવેતર કર્યું હતું તેને લઈ ચિંતામા જોવા મળી હતી. આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ત્રણે જળાશયોમાં પાણી પણ નહિવત છે અને જો આ વર્ષે વરસાદ ન થાય તો જિલ્લામાં જળસંકટની સંભાવના જોવા મળી રહી છે. આજે શનિવારે એકાએક બપોર બાદ ધીમીધારે વરસાદે વરસવાનું શરૂ કરતાં લોકોએ ગરમીથી મહદઅંશે રાહત મેળવી હતી અને ખેડૂતોને પણ વરસાદના કારણે થોડી ઘણી આશા જાગી છે. ડીસામાં આજે વરસાદી ઝાપટુ પડ્યું હતું. પ્રથમ રાઉન્ડમાં સામાન્ય વરસાદ બાદ બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ થયો હતો. ડીસા તાલુકામાં વરસાદ અને વાવાઝોડાના કારણે થેરવાડા પંથકમાં પણ અનેક જગ્યાએ ઘટાદાર વૃક્ષો ધરાશાયી થયા હતા. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા વાહનચાલકો અને લોકોને થોડી હાલાકીનો પણ સામનો કરવો પડ્યો હતો.