દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઉંડાર ગામના સરપંચ ફળિયામાં મકાન ભાડે રાખીને ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને દાહોદ SOGની ટીમે ઝડપી પાડીને તાલુકા પોલીસના હવાલે કર્યો છે. SOG ટીમે બોગસ તબીબના ક્લિનિકમાંથી દવાઓ તેમજ ઇન્જેક્શનોનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. આ બનાવ અંગે ધાનપુર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે SOGની ટીમના દરોડા
દાહોદ જિલ્લા ધાનપુર તાલુકાના ઉંડાર ગામના સરપંચ ફળિયામાં મકાનમાં બોગસ તબીબ દ્વરા દવાખાનું ચલાવીને આદિવાસી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરાતા હોવાની માહિતી SOGને મળી હતી. જે માહિતીના આધારે સ્થાનિક પોલીસ મથકના સ્ટાફે મેડિકલ ટીમને સાથે રાખીને અભેસિંગ ભાભોરના મકાનમાં છાપો માર્યો હતો. જેમાં નામ વગરનું દવાખાનું ચલાવતા અને પોતાની ડોક્ટ તરીકે ઓળખ આપનાપ પોરવાસ સંતોષ બિસ્વાસ મળી આવ્યો હતો, જે મૂળ પશ્ચિમ બંગાળનો વતની હોવાની ખૂલ્યું હતું.
ક્લિનિકમાંથી 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ક્લિનિકમાં દાહોદ SOG PIની ટીમે ડોક્ટર તરીકે સેવા આપતા પોરવાસ સંતોષ બિસ્વાસ પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવા કહેતા બોગસ તબીબે પોતાની પાસે પ્રમાણપત્ર કે ડિગ્રી ન હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બોગસ તબીબ બની મેડિકલ પ્રેક્ટિસ કરતા પોરવાસ સંતોષ બિસ્વાસની ધરપકડ કરી હતી તથા તેની પાસેથી જુદી જુદી જાતની દવાઓ, ઇન્જેક્શન તથા બોટલો તેમજ એક થેલામાં ડોક્ટરી પ્રેક્ટિસ કરવા માટેના સાધન-સામગ્રી મળી 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે ધાનપુર પોલીસે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા બદલ બી.એન.એસ. કલમ 125 તથા ધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ 1963ની કલમ 30, 33 મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ DSP રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લો અંતરિયાળ વિસ્તાર હોવાથી તથા ગરીબ અબુદ પ્રજા હોવાને કારણે તેમના આરોગ્ય સાથે ચેડા કરનાર આવા ઝોલા છાપ ડોક્ટરને ઝડપી પાડવા માટે આવશે. ચુસ્તપણે કાયદાનો અમલ કરવામાં આવશે તથા આવા કોઈ ઝોલા છાપ ડોક્ટર આજુબાજુ વિસ્તારમાં જોવા મળે તો પોલીસનો સંપર્ક કરવા પણ કહેવામાં આવ્યું હતું.
આસપાસના ગામોમાં ડીગ્રી વગર દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલા બોગસ ડોક્ટરોમાં પણ ગભરાટ ફેલાઇ ગયો હતો. નોંધનીય છે કે, દાહોદ જિલ્લામાં આ બાબતે ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવે તો અનેક બોગસ તબીબો મળી આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો: