જુનાગઢ: ગીર પંથકને છેલ્લાં એક અઠવાડિયાથી આતંક મચાવનારા ત્રણ ખુંખાર દીપડાઓને વનવિભાગે આખરે ઝડપી પાડ્યા છે. ઉના, વિઠલપુર અને કોદિયા ગામ માંથી ત્રણ દીપડા પકડાયા છે, જેને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલીને તે માનવ ભક્ષી છે કે નહીં તેની તપાસ કર્યા બાદ પકડાયેલા દીપડાને ફરીથી જંગલમાં મુક્ત કરવા કે નહીં તેનો નિર્ણય વન વિભાગ દ્વારા કરવામાં આવશે.
એક અઠવાડિયાથી ગીર વિસ્તારને લીધો હતો બાનમાં
ગીર પંથકમાંથી પકડાયેલા ત્રણ દીપડા છેલ્લાં એક અઠવાડિયાથી ગીર વિસ્તારને રીતસર બાનમાં લીધો હોય તેમ આતંક મચાવ્યો હતો. આ ત્રણ દીપડાને ગત રાત્રિના સમયે વન વિભાગે પાંજરે પૂરીને આ વિસ્તારના લોકોમાં વધી રહેલી દીપડાની દહેશતને થોડે ઘણે અંશે કાબુમાં લીધી છે.
વન વિભાગને મળી સફળતા
છેલ્લાં અઠવાડિયા દરમિયાન દીપડાએ સાત વ્યક્તિ પર હુમલો કર્યો હતો, જેમાં એક વૃદ્ધ અને વૃદ્ધાનુ કમકમાટી ભર્યું મોત થયું હતું, ત્યાર બાદ વન વિભાગે સતત હુમલા કરતા દીપડાને પકડી પાડવા માટે વિઠ્ઠલપુર, કોદિયા, રાયડી ફરેડા સહિત ગીર ગઢડા અને તાલાલા તાલુકાના પાંચથી સાત વિસ્તારોમાં પાંજરા મૂકીને આતંક ફેલાવનાર દીપડાને પકડી પાડવા માટે કામગીરી શરૂ કરી હતી અને ગઈકાલે રવિવારની રાત્રે સફળતા મળી.
દીપડાઓ માનવ ભક્ષી છે કે નહીં તેની તપાસ થશે
ઊના, વિઠ્ઠલપુર અને કોદીયા ગામમાંથી વન વિભાગે જે ત્રણ દીપડાને પાંજરે પુર્યા છે તેને જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે. અહીં કેટલાક દિવસ સુધી તેને તબીબી નિરીક્ષણ અને પરીક્ષણ નીચે રાખવામાં આવશે. જેમાં દીપડાઓ માનવ ભક્ષી છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવશે.
વનવિભાગની આગળની કાર્યવાહી
પાંજરે પુરાયેલા અને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં રહેલા દીપડાઓ માનવભક્ષી હોવાનુ સાબિત થશે તો તેને આજીવન પાંજરામાં રાખવામાં આવશે, પરંતુ જો પકડાયેલા દીપડામાંથી કોઈ પણ દીપડો માનવભક્ષી પુરવાર થશે નહીં તો તેને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના આદેશ અનુસાર ફરીથી જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.