તાપીઃ તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીકથી કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જેમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય અંગે વિરોધ કરી આવેદન આપવામાં આવ્યું હતું.
તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીકથી ખાનગી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોટી સંખ્યમાં ભેગા મળી રેલી કાઢવામાં આવી હતી. જે રેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગી આગેવાનો જોડાયા હતા. જેમાં સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો જે નિર્ણય કરાયો છે. જેનો વિરોધ કરવામાં આવ્યો હતો. બાદમાં સેવાસદન ખાતે જઈ ધરણા કરી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી.
આગેવાનો દ્વારા ચીમકી પણ આપવામાં આવી હતી કે, જો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય પાછો નહીં ખેંચાય તો આગામી 26 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પરિવાર સાથે જશે અને રજૂઆત કરશે. બાદમાં નર્મદા ખાતે આવેલી બીરસા મુંડા યુનિવર્સિટીમાં આદિવાસી માટે ભરતી પ્રક્રિયામાં બેઠક અનામત નહીં રાખવાની જાહેરાતનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.
માતા વગરની વિદ્યાર્થિની એ તેની વ્યથા જણાવતા કહ્યું હતું કે, અમારી માગ છે કે, આદિવાસી વિદ્યાર્થીઓને સ્કૉલરશીપ આપવામાં આવે. મારી મમ્મી પણ નથી મને અનુભવ છે મારા પપ્પા એકલા કામ કરીને અમને ચાર જણને ભણાવે છે અને મારા પપ્પા એમ કહે છે તમે ભણી-ગણીને આગળ વધો પણ આ સરકાર જ અમારી સાથે આવું કરતી હોય તો અમે કઈ રીતે આગળ વધીએ.
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, એક જ માગણી અમે કરી છે કે, 2010 થી વેકન કોટાની જે શિષ્યવૃતિ આદિવાસી સમાજના અને એસ.સી સમાજના વિદ્યાર્થીઓને ચાલુ કરવામાં આવે. જો અમારી માગ ન સ્વીકારવામાં આવી તો 26મી તારીખનો મુખ્યમંત્રીનો રાજ્યકક્ષાનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં અમારી વિદ્યાર્થિનીઓ સહ પરિવાર સાથે ત્યાં પહોંચશે અને પોતાની માગણી અને લાગણીની વાતો કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 17મી જાન્યુઆરી એ જે જાહેરાત કરવામાં આવી તે જાહેરાતમાં બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીમાં એક પણ એસ.ટી કેન્ડીડેટને સ્થાન આપવામાં આવ્યું નથી. અમે તેનો પણ વિરોધ કરીએ છીએ પરંતુ સરકાર ધીમે ધીમે આદિવાસીનું પત્તું દરેક વસ્તુમાંથી કાઢી નાખવા માંગે છે. શિષ્યવૃત્તિને કારણે ભણી રહ્યા છે તેની શિષ્યવૃત્તિ કાપીને તેને ફરી પાછા અભણ અશિક્ષિત અને વ્યવસાય વગરના રાખવા માંગે છે.