સુરેન્દ્રનગર: ગુજરાતમાં લગ્નસરાની મોસમ જામી રહી છે, ઘણા લોકો પોતાના લગ્નને અનોખી રીતે અને યાદગાર બની રહે તે પ્રકારે કંઈક વિવિધતા સાથે લગ્નની તૈયારીઓ કરતા હોય છે. ત્યારે ચોટીલા પંથકના એક વરરાજા અશ્વ પર સવાર થઈને પરણવા નીકળ્યા હતા અને સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.
ચોટીલાના ખેરડી ગામના મહાવીરભાઈ ખાચર નામના વરરાજાના લગ્ન પીપળીયાના ધાધલ ગામના વતની અને હાલ ચોટીલામાં રહેતા અનકુભાઈ દડુભાઈની દીકરી સાથે નક્કી થયા હતા. મહાવીરભાઈએ પોતાની જાન બધાથી જુદી જ રીતે જોડવાનો નિર્ણય કર્યો હતો અને રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું આયોજન કર્યુ હતું.
ત્યાર બાદ વરરાજા મહાવીરભાઈ 100 જેટલા ઘોડે સવારો સાથે ઘોડે સવારી કરીને જાન લઈને પહોંચ્યા હતાં. માર્ગો પર પુરપાટ વેગે અશ્વ પર સવાર થઈને નીકળેલા આ વરરાજા પર જાનૈયાઓએ પૈસાનો વરસાદ પણ કર્યો હતો.

ખેરડીથી નીકળેલી જાન ચોટીલા પહોંચતા આકર્ષણનું કેન્દ્ર બની હતી, રોડ પર એકસાથે 100 જેટલા અશ્વો પર પસાર થતાં જાનૈયાઓને જોઈને રોડ પરથી આવતા જતા લોકો પણ નવાઈ પામ્યા હતા. આ જાડેરી જાનને જોવા માટે કેટલાંક લોકો થોડી વાર માટે ઊભા રહી ગયા હતાં, રજવાડી પોશાક સાથે અશ્વ પર સવાર વરરાજા મહાવીર ખાચર પર જાનૈયાઓએ રૂપિયાનો વરસાદ કરતા જતા હતા.