અમદાવાદ: રાજ્યમાં છાશવારે મોટા મોટા જથ્થાઓમાં ડ્રગ પકડવાના કિસ્સાઓ બનતા હોય છે. અમદાવાદ શહેરમાંથી પણ અવારનવાર આ પ્રકારે ડ્રગ્સ પકડાતું હોય છે. ત્યારે અમદાવાદ શહેરની વચ્ચોવચ આવેલા લાલ દરવાજા વિસ્તારમાંથી ગતરોજ 27 લાખની કિંમતના ડ્રગ સાથે એક આરોપીની ATS દ્વારા અટકાયત કરવામાં આવી છે. બાતમીના આધારે ATS દ્વારા લાલ દરવાજા વિસ્તારમાંથી એક આરોપીની રંગે હાથ ધરપકડ કરવામાં આવી છે. જે આરોપીનું નામ ફરઝાન સૈયદ છે. તેની પાસેથી 55 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.
ATSએ બાતમીના આધારે એક આરોપીને રંગે હાથ પકડી પાડયો
આ સમગ્ર મામલે ETV Bharat સાથે વાત કરતા ATSના DySP એસ. એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે, લાલ દરવાજા વિસ્તાર પાસેથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી 55 ગ્રામ જેટલું એમ.ડી ડ્રગ્સ મળ્યું છે જેની કિંમત 27 લાખ છે. આ ડ્રગ્સને પણ જપ્ત કરવામાં આવ્યું છે.
આરોપી અગાઉ 20 કિલો ચરસ સાથે પકડાયો હતો
આમાં ચોંકાવનારી અને અગત્યની વાત એ છે કે આ આરોપી અગાઉ 20 કિલો ચરસ સાથે પકડાયો હતો. ત્યારે આરોપી હાલ ખુલ્લેઆમ ડ્રગ્સનો ધંધો કેવી રીતે કરતો હશે? તે પણ એક પ્રશ્ન ઉભો થાય છે. આ આરોપીને ક્યારેય અગાઉ પકડવામાં આવ્યો હતો તેનો જવાબ DySP ચૌધરી પાસે ન હતો. તેમના દ્વારા માત્ર એટલી જ માહિતી આપવામાં આવી કે આ આરોપીને અગાઉ 20 કિલો ચરસ સાથે પકડવામાં આવ્યો હતો.
ડ્રગ્સ રેકેટના અન્ય સાથીદારોની શોધમાં ATS
હાલ એટીએસ આ આરોપીની પૂછપરછ કરી રહી છે તેની સાથે ડ્રગ્સ રેકેટમાં કેટલા લોકો સંકળાયેલા છે. તે ડ્રગ્સ ક્યાંથી લઈ આવતો હતો? ક્યાં લઈ જતો હતો? કોને કોને વહેંચતો હતો? તે સમગ્ર મામલે હાલ એટીએસ તપાસ કરી રહી છે. ત્યારે આવનારા સમયમાં આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ પણ પકડાશે ત્યારે સમગ્ર રેકેટનો પડદાફાશ થશે.
આ પણ વાંચો: