કચ્છ : ભુજના શ્રુજન-લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઈન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ-2025 નો પ્રારંભ થયો છે. જેમાં કચ્છ સાથે ઓડિશા રાજ્યની સંસ્કૃતિ, હસ્તકલા, લોકસંગીત અને લોકનૃત્યોનું આદાન-પ્રદાન થશે. સાથે જ વિવિધતામાં એકતાની અભિવ્યક્તિને કચ્છની ધરતી ઉપર સાકાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
વિન્ટર ફેસ્ટિવલ-2025 નો પ્રારંભ : LLDC વિન્ટર ફેસ્ટિવલ અગાઉ ગુજરાત, નોર્થ-ઈસ્ટ રાજ્યો, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોની લોકસંસ્કૃતિ, પરંપરાગત હસ્તકળાઓ, લોકસંગીત, લોકનૃત્યો સાથે યોજાઈ ચૂક્યો છે. હવે ઓડિશા સાથે યોજાઈ રહેલા આ મહોત્સવનો મહાનુભાવોના હસ્તે પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો આ ફેસ્ટિવલ માણવા ઉમટ્યા હતા.
ઓડિશાની સંસ્કૃતિ માણવાની તક : કચ્છની અસલ ભાતીગળ લોક સંસ્કૃતિ, કચ્છની પરંપરાગત હસ્તકળાઓ, કચ્છનું કર્ણપ્રિય લોક સંગીત, કચ્છના વિવિધ જાતિના લોક નૃત્યોની સાથે સાથે ઓડીસા રાજ્યની પણ લોક સંસ્કૃતિ, હસ્તકલાઓ, લોક સંગીત અને નૃત્યો એક સાથે એક જ જગ્યાએ લોકોને જોવા અને માણવા મળ્યા હતા.
ઓડિશાના પારંપરિક વાદ્યના તાલે લોકસંગીત : ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમનીમાં કચ્છના ઉભરતા બાળ કલાકારો દ્વારા નોબત, ઢોલ તેમજ ઓર્ગન પર ધમાકેદાર ગીત-નાદ સાથે સ્વાગત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ વિન્ટર ફેસ્ટિવલના મુખ્ય સ્ટેજ પર પ્રથમ દિવસના સાંજના કાર્યક્રમની શરૂઆત કનૈયાલાલ સીજુ અને તેમના ગ્રુપ દ્વારા કચ્છી લોક ગીત-સંગીત દ્વારા ઓડિશાના સંગીત વૃંદ સાથે મળી કરવામાં આવી હતી. ઓડિશાના પારંપરિક વાદ્ય સાથેના લોકસંગીતની રજૂઆતે સૌને મોહિત કર્યા હતા.
ગોટીપુઆ નૃત્યની ઊર્જામય રજૂઆત : ઓડિશાના લોક નૃત્યની વાત કરવામાં આવે તો BGGA રઘુરાજપુર ડાન્સ ગ્રુપ દ્વારા ગુરુ શિષ્ય પરંપરાના ખૂબ જ વિખ્યાત ગોટીપુઆ નૃત્યની ઊર્જામય રજૂઆત કરવામાં આવી હતી. ઓડિશાનાં જ નૃત્ય મલ્હાર અને પ્રતિવા ફોક એન્ડ ટ્રાઈબલ ડાન્સ ગ્રુપે પણ ધમાકેદાર પરફોર્મન્સ આપ્યા હતા. ઓડિશાના નૃત્યો જોઈને સૌ કોઈ પ્રભાવિત પણ થયા હતા. સાથે જ ભુજની નૂપુર ડાન્સ એકેડમીએ પણ કચ્છ પર અદ્ભુત નૃત્ય રચનાથી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.
ઓડિશા અને કચ્છની સંસ્કૃતિનો સમન્વય : LLDC વિન્ટર ફેસ્ટિવલને માણવા કચ્છની સાથે ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યો તેમજ વિદેશથી પણ પ્રવાસીઓ માણવા આવ્યા હતા. આ વિન્ટર ફેસ્ટિવલ હજુ પણ 23 જાન્યુઆરી સુધી દરરોજ સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે, ઓડિશા અને કચ્છની સંસ્કૃતિનો સમન્વય આ ફેસ્ટિવલમાં જોવા અને માણવા જેવો છે.