દમણમાં ST બસની ટક્કરમાં મોપેડ ચાલકનું મોત - મોપેડ ચાલકનું મોત
🎬 Watch Now: Feature Video

દમણઃ શહેરના ભીમપોરમાં ગોવા બેંકની સામે સોમવારે ગુજરાતની એસટી બસના ચાલકે બેફામ અને પૂરઝડપે હંકારી લાવીને એક મોપેડને ટક્કર મારી હતી. મોપેડ ચાલક નીચે પટકાઇને બસના વ્હીલ નીચે આવતા ગંભીર ઇજાથી તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું. નાની દમણના ભીમપોર સ્થિત ગોવા બેંકની સામે સોમવારે બપોરે ગુજરાતની એસટી બસ નંબર GJ18-Y- 7410ના ચાલકે પૂરઝડપે હંકારી લાવીને એક મોપેડ નંબર DD03-H-8170ને ટક્કર મારી દીધી હતી. મોપેડ ચાલક યુવક રોડ ઉપર પટકાયા બાદ તેમના માથા અને શરીર ઉપરથી બસના ભારેખમ વ્હીલ ફરી વળતાં તેમનું સ્થળ ઉપર જ કમકમાટીભર્યુ મોત થયું હતું. આ બનાવ અંગે કડૈયા કોસ્ટલ પોલીસને જાણ કરાતા ટીમ ત્યાં પહોંચીને જરૂરી કાર્યવાહી કરી હતી. એસટી બસના ચાલકની પોલીસે ધરપકડ કરી હતી. અકસ્માતમાં મોતને ભેટનાર યુવકની ઓળખ 22 વર્ષીય વિનિતકુમાર હીંચનારાયણ દુબે રહે. દેવીબેન નટુભાઇની ચાલી, દલવાડા - દમણ તરીકે થઇ હતી. કડૈયા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને લઇ બસ ચાલક સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.