વડોદરામાં મેમુ શેડમાં ઑટોમેટીક ટ્રેન વૉશ સિસ્ટમનો પ્રારંભ
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના નવાયાર્ડ ઇલેક્ટ્રિક લોકોમોટિવ શેડ પાસે આવેલા મેમુ શેડમાં ઑટોમેટિક ટ્રેન વૉશ સિસ્ટમનો પ્રારંભ થયો છે. રાજ્યના પ્રથમ મેમુ ટ્રેન ઑટોમેટિક વોશ સિસ્ટમથી વર્ષે રેલવેને રૂપિયા 26. 45 લાખની બચત થશે. ઓટો કૉચ વોશિંગ પ્લાન્ટ ACWP તરીકે જાણીતી આ સિસ્ટમથી 10 મિનિટમાં મેમુ ટ્રેનના કૉચને ધોઈ શકાશે. આ સિસ્ટમમાં 20 ટકા જેટલા નવા પાણીનો ઉપયોગ કરશે. જ્યારે 80 ટકા રિસાયકલ થયેલું પાણી વપરાશે. આ સિસ્ટમથી રોજ 240 કૉચ ધોઈ શકાશે. 15 ઑગસ્ટે વેસ્ટર્ન રેલવેના જી.એમ. આલોક કન્સલ દ્વારા વીડિયો કોન્ફરન્સથી આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું હતું. આ સિસ્ટમથી કૉચની બહારની સાઈડ કલર અને અન્ય પ્રિન્ટિંગને નુકસાન થતું અટકશે, તેમજ ડિટરજન્ટ પાઉડરની પણ બચત થશે. રેલવે દ્વારા પ્રાથમિક તબક્કે રોજના 30 કૉચ ધોવાના અંદાજે એક કૉચ પાછળ 210 લિટર પાણી બચશે. આ મુજબ વર્ષે 22,99,500 લીટર પાણી બચાવશે. આ જ રીતે અત્યારની પદ્ધતિથી એક કૉચ ધોવા પાછળ રૂપિયા 588 ખર્ચ થાય છે. જ્યારે નવી સિસ્ટમથી 281 રૂપિયા ખર્ચ થશે. જે મુજબ વર્ષે રૂપિયા 26,45,082ની બચત થશે.