સૂર્યના પ્રથમ કિરણ સાથે સૂર્ય નમસ્કાર કરી ભરૂચના નગરજનોએ નવા વર્ષેને આવકાર્યું - Bharuch
🎬 Watch Now: Feature Video
Published : Jan 1, 2024, 5:13 PM IST
ભરુચ : રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આજે નવા વર્ષના સૂર્યના પ્રથમ કિરણને સૂર્ય નમસ્કાર અભિયાનથી ભરૂચના નગરજનોએ આવકાર્યું હતું. ભરૂચની જે.પી. કોલેજ ખાતેના સૂર્યનમસ્કાર કાર્યક્રમની શરૂઆતમાં સ્કૂલના છાત્રોએ વિવિધ યોગિક મુદ્રાઓનું પ્રદર્શન કરીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.
યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું : આ પ્રસંગે ધારાસભ્ય અરૂણસિંહ રણાએ નગરજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને સતત કાર્યરત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લોકો યોગ કરતા થાય, યોગ અંગેની જાગૃતિ કેળવાય, લોકો નિરોગી રહે અને દરેક લોકોને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત થાય તે માટે વર્ષ 2024ના પ્રથમ દિવસે ગુજરાતમાં 'સૂર્ય નમસ્કાર' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
અધિકારીઓ કાર્યક્રમમાં જોડાયા હતા : આ પ્રસંગે ઉપસ્થિતોએ રાજ્યકક્ષાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષપદે મોઢેરાના સૂર્યમંદિર, મહેસાણા ખાતે યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરા, નિવાસ અધિક કલેકટર એન. આર. ધાધલ, પ્રાંત અધિકારી આર. જે. શાહ, જિલ્લા યુવા વિકાસ અધિકારી મીતાબેન ગવલી, જે. પી. કોલેજના આચાર્ય, વિવિધ યોગ પ્રશિક્ષણો સહિત NCC, NSS સહિત મોટી સંખ્યામાં શાળાના તથા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તમામ લોકોએ એક સાથે સૂર્ય નમસ્કાર કર્યા હતા : નવા વર્ષનો પ્રથમ દિવસ સૂર્ય નમસ્કારથી શરૂ કરવામાં આવ્યો છે અને ભરૂચ જિલ્લામાં બે સ્થળોએ સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ જોડાઈને એક સાથે સૂર્ય નમસ્કારના આશન કર્યા હતા. આવનારા વર્ષમાં સૂર્ય નમસ્કાર કરીને લોકોનું જીવન રોગમુક્ત અને સમૃદ્ધિમાં બને તેવી આશા કલેકટર તુષાર સુમેરાએ રાખી હતી.