Ahmedabad Rath Yatra 2023: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરી મંગળા આરતી - Amit Shah Did Aarti At Jagannath Temple Ahmedabad
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં પહોંચીને મંગળા આરતીમાં જોડાયા હતા. અમિત શાહએ દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળા આરતીમાં ભાગ લીધો છે. અમિત શાહ સાથે તેમના પરિવારજનો પણ મંદિરમાં આરતીમાં જોડાયા હતા. જગન્નાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ પહોંચી ગયા છે અને આરતીમાં જોડાયા હતા.
ભક્તોમાં અભૂતપૂર્વ ઉત્સાહ: આ વખતની રથયાત્રા ખરા અર્થમાં અનેક રીતે ખાસ બની રહેશે. ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી એમ ત્રણેય નવા રથમાં બિરાજમાન થઇને નગરની યાત્રા કરશે. રથયાત્રાને લઇને ભક્તોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જગતના નાથની એક ઝલક મેળવવા ભક્તો આતૂર બન્યા છે. સમગ્ર રથયાત્રા દરમિયાન 30 હજાર કિલો, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમ અને 2 લાખ ઉપરણા પ્રસાદ સ્વરૂપે ભક્તોને આપવામાં આવશે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત: ભગવાન જગન્નાથની રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં શહેર પોલીસના 15,000 જેટલા જવાનો સહિત કુલ 26 હજાર પોલીસ બંદોબસ્તમાં જોડાઈ છે. રથયાત્રાના રૂટની વાત કરવામાં આવે તો સમગ્ર રૂટમાં 11 IG, 50 SP, 100 DYSP, 300 PI, 700 જેટલા PSI, 15,000 જેટલા પોલીસ જવાનો અને 6,000 જેટલા હોમગાર્ડના જવાનો અને SRP/CAPF ની 35 જેટલી કંપનીઓ ખડે પગે રહેશે.
મુખ્યપ્રધાને કરી પહિંદ વિધિ: રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી. આ વિધિ દર વર્ષે રાજ્યના મુખ્યપ્રધાન કરતા હોય છે. પહિંદ વિધિ એટલે નગરનો રાજા સામાન્ય વ્યક્તિના પહેરવેશ પહેરીને રથની આસપાસની જગ્યાને સોનાની સાવરણીથી સફાઇ કરે. રથ જે રસ્તા પરથી પસાર થવાનો છે તે રસ્તાને સોનાની સાવરણીથી શુદ્ધ કરવાની વિધિને પહિંદ વિધિ કહેવામાં આવે છે. પુરીમાં આ વિધિને છેરા પહેરા વિધિ તરીકે ઓળખવામાં આવે છે.પહેલાના સમયમાં રાજાને આ હક્ક મળતો હતો, હવે આ હક્ક રાજ્યના મુખ્યપ્રધાનને મળે છે. તેમની સાથે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
101 ટ્રકમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખીનાં દર્શન: રથયાત્રાના પાવન પર્વે જય રણછોડ માખણ ચોરના નાદથી અમદાવાદ ગૂંજી ઉઠ્યું છે. બલરામજી અને સુભદ્રા સાથે ભગવાનની રથયાત્રા નીકળી છે ત્યારે તેમા 101 ટ્રકમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખીનાં દર્શન થઇ રહ્યા છે.
TAGGED:
Rathyatra Ahmedabad 2023