Surat News : સુરતથી નવસારી વચ્ચે હાઈ ટેન્શન લાઈનમાં ક્ષતિ સર્જાતા રેલ વ્યવહાર ખોરવાયો - અમદાવાદથી મુંબઈ લાઈન
🎬 Watch Now: Feature Video
Published : Oct 17, 2023, 10:35 PM IST
સુરત : સુરતથી નવસારી વચ્ચે સચિન રેલવે સ્ટેશન પાસે રેલવે વિભાગની હાઈ ટેન્શન લાઈનમાં ક્ષતિ સર્જાતા 30 મિનિટ સુધી ટ્રેન વ્યવહાર ખોવાયો હતો. જેને લઈને સુરતથી નવસારી અપડાઉન કરતા પેસેન્જર વર્ગને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
હાઈ ટેન્શન લાઈનમાં ક્ષતિ : ઇન્ડિયન રેલવે લાઈનમાં સૌથી વ્યસ્ત ગણાતી પશ્ચિમ રેલવે લાઈન પર સુરત અને નવસારીની વચ્ચે હાઈ ટેન્શન લાઈનમાં ક્ષતિ સર્જાતા અનેક ટ્રેનો 30 મિનિટ સુધી અટકી પડી હતી. પશ્ચિમ રેલવે વિભાગમાં અમદાવાદથી મુંબઈ લાઈન સૌથી વ્યસ્ત રેલ વ્યવહાર લાઇન તરીકે જોવામાં આવે છે.
રેલ વ્યવહાર ખોરવાયો : આજે સુરતથી નવસારી વચ્ચે સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ સચિન સ્ટેશન પાસે હાઈ ટેન્શન લાઈનમાં ક્ષતિ સર્જાઈ હતી. જેના કારણે મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો હતો. સુરતથી નવસારી મોટી સંખ્યામાં અપડાઉન કરતા પેસેન્જરને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ક્ષતિના કારણે ઘણી ટ્રેન પોતાના નિર્ધારિત સમય કરતા 30 મિનિટ મોડી પડી હતી.
પેસેન્જરોને હાલાકી : 30 મિનિટ સુધી ખોરવાયેલા ટ્રેન વ્યવહારને કારણે દિલ્હી તરફ જતી રાજધાની એક્સપ્રેસ સહિત ચારથી પાંચ ટ્રેનોને 30 મિનિટ સુધી અલગ અલગ સ્ટેશન પર થોભાવી દેવામાં આવી હતી. જેને લઈને રેલવે વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. જોકે રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક લાઇન ચાલુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જે થોડા સમયમાં રીપેરીંગ કરી ફરી રેલવે વ્યવહાર કાર્યરત કરવામાં આવ્યો હતો.
ટ્રેનો 30 મિનિટ મોડી : રેલ્વે સલાહકાર સમિતિના સભ્ય જયદીપ દેસાઈ જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સુરતથી નવસારી વચ્ચે સચિન રેલવે સ્ટેશન પાસે હાઈ ટેન્શન લાઈનમાં ક્ષતિ સર્જાતા 30 મિનિટ સુધી મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન અટકી ગઈ હતી. પરંતુ રેલવે વિભાગે તાત્કાલિક લાઈન રિપેર કરતા ફરી રેલ વ્યવહાર કાર્યરત થયો હતો.