Poet Tushar Shukla Poetry : અમદાવાદમાં બનેલી હિટ એન્ડ રનની ધટનાને જાણીતા કવિ તુષાર શુકલએ પોતાની કલમ થકિ પરિવારની વેદનાને પ્રસ્તુત કરી - Ghar no divo kya gayo che

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 27, 2023, 8:56 PM IST

અમદાવાદ : અમદાવાદમાં 19મી જૂલાઇની રાત્રીએ એક 19 વર્ષીય નબિરાના કારણે 9 ઘરોમાં આક્રંદ ફેલાયો હતો. કરોડપતિ બાપના દિકરાએ લક્ઝરી કારને 140થી વધુંની સ્પિડમાં હંકારીને 9 લોકોની જીંદગીમાં પૂર્ણ વિરામ મુકિ દિધું હતું. જેના કારણે એ રાત્રી ગુજરાત માટે કાળરાત્રી સાબિત થઇ હતી. નબિરાએ પોતાના નવાબી શોખના કારણે જે લોકો પોતાના પરિવારના સપના પુરા કરવા માટે ઘરની બહાર હતા તેમને ફરી વખત પોતાના પરિવારથી સુખદ મિલન પણ ન કરવા દિધું. આ ગોઝારા કાળમુખી અકસ્માતમાં પરિવારમાં કોઇએ પોતાનો દિકરો, તો કોઇએ ઘરનો આધાર, તો કોઇએ પિતા ગુમાવ્યા હતા. આવી ઘટના બનતા આપણા કવિઓની કલમો કઇ રીતે શાંત રહી શકે. આ ઘટનાને એક અલગ અંદાજમાં ગુજરાતના જાણીતા કવિ તુષાર શુકલએ પોતાની કલમ થકિ પરિવારની વેદનાને પ્રસ્તુત કરી છે. જેના શબ્દો છે 'ઘરનો દીવો ક્યાં ગયો છે?'  

મૌન સઘળાં શબ્દ છે  

જીંદગી બસ, સ્તબ્ધ છે  

મેઘલી એ રાતનો અંધાર  

હજી ઘેરી રહ્યો છે  

આંગણું ઉંબરને પૂછે  

ઘરનો દીવો ક્યાં ગયો છે ?  

ડૂસકાં ડૂમો બન્યા છે  

આંસુ સઘળાં વહી ગયાં છે  

એક પળ પહેલાં ધબકતી  

જીંદગી ધબકાર ચૂકી  

સ્વપ્ન સહુ સરકી ગયાં છે  

અહીં હવે બસ સ્મરણ મુકી  

        મૌન સઘળાં શબ્દ છે  

        જીંદગી બસ , સ્તબ્ધ છે  

મેઘલી એ રાતનો અંધાર  

હજી ઘેરી રહ્યો છે  

આંગણું ઉંબરને પૂછે  

ઘરનો દીવો ક્યાં ગયો છે ?  

સ્વસ્થ છે તન  ? ખૂશ રહો  

મસ્તીમાં છે મન ? ખૂશ રહો  

ભરપૂર છે ધન ? વાપરો  

લાગે છે, જલસો છે જીવન ? ઉજવો  

પણ  

ઊતરી જતો સઘળો નશો  

જેમાં ઝૂમે છે આજ યૌવન  

ભૂલ, માફી કે સજા  

લાવી શકે ના પાછું જીવન  

એક પળ, ભટક્યા કદમ  

બીજી પળ સઘળું ખતમ  

કોઇ માટે મોજ છે ને કોઇ માટે મોત છે  

મૃત્યુની ભાતે વણેલું જીંદગીનું પોત છે  

             મૌન સઘળાં શબ્દ છે  

            જીંદગી બસ , સ્તબ્ધ છે  

મેઘલી એ રાતનો અંધાર  

હજી ઘેરી રહ્યો છે  

આંગણું ઉંબરને પૂછે  

ઘરનો દીવો ક્યાં ગયો છે ?  

બાપનો હેતાળ હાથ  

ખાલીખમ રહી જાશે બાથ

ઊંબરે ઊભી રહીને  

રાહ જોતી રહેશે માત  

મૌન છે લાચાર ભાઇ  

રહી અધૂરી છે લડાઇ  

આવશે જ્યાં રક્ષાબંધન  

બ્હેનને કોણ દેશે સાંત્વન ?  

એ જ ઘર પરિવાર એ , પણ  

બદલાઇ જાશે આખું જીવન  

ભીંત પર ઘડિયાળ ચાલે  

તારીખિયાનાં પાનાં ફાટે  

બદલાશે કેલેન્ડર છતાંયે  

આ સમય આગળ ના જાયે  

વીતતાં દિવસો ભલે ને  

દુઃખ તણું ઓસડ કહાયે  

જે પડ્યું અંતરને અંતર  

એ હવે ઓછું ન થાયે  

           મૌન સઘળાં શબ્દ છે  

            જીંદગી બસ , સ્તબ્ધ છે  

મેઘલી એ રાતનો અંધાર  

હજી ઘેરી રહ્યો છે  

આંગણું ઉંબરને પૂછે  

ઘરનો દીવો ક્યાં ગયો છે ?  

વાંક કોનો ? કેમ આવું ?  

પૂછશે તસ્વીર પળ પળ  

એ જવાબો શોધવામાં  

જાય છે મન સાવ નિષ્ફળ  

આંસુ વિના છે આંખ સુકી  

સ્મરણબોજે કમર ઝૂકી  

જીવનઇચ્છા તો વહી ગઇ  

જિંદગી કેવળ રહી ગઇ  

જીવવું જેને હતું એ જીંદગી પૂરી થઇ  

જીવી રહ્યાં છે એમની પણ જીંદગી અટકી ગઇ  

               મૌન સઘળાં શબ્દ છે  

               મૃત્યુ પણ અહીં સ્તબ્ધ છે  

મેઘલી એ રાતનો અંધાર  

હજી ઘેરી રહ્યો છે  

આંગણું ઉંબરને પૂછે  

ઘરનો દીવો ક્યાં ગયો છે ? 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.