બનાસકાંઠા: વડગામના પરખડીથી મેરવાડાને જોડતો મુખ્ય રોડ બિસ્માર બનતા વાહનચાલકો હાલાકી વેઠવા મજુબર બન્યા છે. બીજી તરફ રોડની કામગીરી અધૂરી મૂકી મુશ્કેલીઓ વધારનારા કોન્ટ્રાકટર સામે તંત્ર જાણે ઘૂંટણિયે પડ્યું હોય તેમ કઈ જ કાર્યવાહી ન કરતું હોય તેવો ઘાટ સર્જાયો છે.
તાલુકા મથક સહિત 6થી વધુ ગામોને જોડતા રોડનું કામ કાચબા ગતિએ
વડગામ તાલુકાના પરખડીથી મેરવાડા સુધીનો તાલુકા મથકને જોડતો મુખ્ય રોડ છેલ્લા ચાર મહિનાથી બિસ્માર હાલતમાં છે, નવીન રોડની કામગીરી માત્ર દેખાડા પૂરતી શરૂ કરાયા બાદ કાંકરી પાથરી છેલ્લાં ચાર પાંચ મહિનાથી અધૂરી જ છોડી દેવાઈ છે, જેથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.
તાલુકા મથક સહિત 6થી વધુ ગામોને જોડતા આ મુખ્ય રોડની બિસ્માર હાલતથી પસાર થતા આસપાસના ગામના લોકો હાલ તો જાણે કોન્ટ્રાકટરના પાપે હાલાકી વેઠવા મજબુર બન્યા છે. ગામલોકોનુ કહેવું છે કે બિસ્માર રોડના કારણે તેઓ અન્ય રોડથી લાંબુ અંતર કાપી પાલનપુર આવી રહ્યા છે.
વાહનચાલકો અને રાહદારીઓ હેરાન-પરેશાન
ખાડાઓમાં કાંકરી નાખી લેવલ કર્યા વિના જ અધૂરી કામગીરી છોડી દેવાતા છેલ્લા ચારથી પાંચ મહિનાથી અહીંથી પસાર થતાં લોકો હેરાન થઈ રહ્યા છે, વાહનચાલકોનુ કહેવું છે કે બિસ્માર માર્ગ અને કાંકરીના કારણે વાહનોના ટાયર ફાટી જાય છે, જેથી અમારે નુકશાન વેઠવું પડી રહ્યું છે. જયારે આસપાસના ગામલોકો ઊડતી કાંકરીઓ અને ધૂળની ડમરીઓના કારણે હેરાન થઈ રહ્યા છે. ત્યારે બિસ્માર માર્ગને નવીન બનાવવા કામગીરી તો શરૂ કરાઈ પરંતુ આ અધુરી કામગીરીએ લોકોની મુશ્કેલીઓ વધારી છે, ત્યારે વહેલી તકે રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે.
અધિકારીઓ ઓફિસમાંથી ગાયબ !
આ બિસ્માર રોડની ઊઠેલી ફરિયાદોને પગલે જવાબદાર અધિકારીનો જ્યારે ઈટીવી ભારતની ટીમે ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે કોઈ અધિકારી દ્વારા ફોન ઉઠાવવામાં ન આવ્યો કે ન મળ્યો કોઈ જવાબ, આખરે આ મામલે વડગામમાં આવેલી માર્ગ અને મકાન વિભાગ પંચાયત ઓફિસની મુલાકાત લીધી ત્યારે પણ આ અંગે જવાબ આપવાવાળા કોઈ જ અધિકારી કે કર્મચારી ઓફિસમાં હાજર ન હતાં અને અધિકારીઓની ખુરશીઓ ખાલી દેખાઈ. ઓફિસમાં હતા તો માત્ર બે જ પટાવાળા. જેમણે કહ્યું, કે અધિકારીઓ ડિવિઝન ઓફિસમાં હોવાનું અને સાઈટ પર વિઝીટમાં ગયા હોવાનું જણાવ્યું હતું.