કચ્છ: 26મી જાન્યુઆરી 2001ના દિવસે સવારે 8:46 મિનિટે આવેલા ગોઝારા ભૂકંપની યાદ આજે પણ કચ્છના લોકોને કંપાવી દે છે. દર્દનાક ભૂકંપને 24 વર્ષ થવા આવ્યા છે ત્યારે આજે પણ એ દુર્ઘટનાને યાદ કરી લોકોના હૃદય દ્રવી ઉઠે છે. ત્યારે આ ગોઝારા ભૂકંપની કહાણી ઇતિહાસકાર સંજય ઠાકરની જુબાની સાંભળો.
વર્ષ 2001ના ભૂકંપની કહાણી ઇતિહાસકારની જુબાની
કચ્છના જાણીતા લેખક અને ઇતિહાસકાર તેમજ 2001ના ભૂકંપના સાક્ષી સંજય ઠાકરે વર્ષ 2001ના ભૂકંપના ઇતિહાસની વાતો ETV Bharat સાથે કરી હતી. તેમજ આપવીતી વ્યક્ત કરી હતી. તેમણે પોતાના પુસ્તક 'બે દાયકાની દાસ્તાન'માં પણ દરરોજ બનેલી ઘટનાઓ અંગે પણ નોંધ કરી છે અને ભૂકંપ સમયની વાતો જણાવી હતી.
સદીની મહાવિનાશક કુદરતી આપત્તિ ભૂકંપે કચ્છમાં અતિભારે તારાજી સર્જી
26મી જાન્યુઆરી 2001ના 51માં પ્રજાસત્તાકદીન અને શુક્રવારે સવારે 8:46 વાગ્યે ભુજની પૂર્વે મોટા રણમાં નેર, અમરસર અને બંધડી ગામ ભૂકંપના કેન્દ્રથી (સત્તાવાર જાહેરાત પ્રમાણે) 6.9 રિકટર સ્કેલની તીવ્રતા સાથે અનુભવાયેલા આંચકાએ 120 સેકંન્ડ સુધી ધરતીને હચમચાવી હતી. ધરતીકંપના તાંડવે સર્વત્ર વ્યાપક અને કલ્પનાતીત તબાહી મચાવી હતી. ગોઝારા ભૂકંપને લીધે જાનમાલની ભયાવહ તારાજી થઈ. ભુજ, અંજાર, ભચાઉ અને રાપર શહેર અને સેંકડો ગામડાં કાટમાળમાં ફેરવાયા હતા.
આફટરશોકને લીધે ભય અને દહેશતનું વાતાવરણ
જો કે, ભાભા એટમિક રિસર્ચ સેન્ટર અને અમેરિકા તથા ચીનની વેધશાળાએ ભૂકંપની તીવ્રતા 7.9 રિકટર સ્કેલ નોંધી હતું. કચ્છને લપેટમાં લેનાર ભૂકંપે ભારતભરમાં હળવાથી ભારે આંચકા આપ્યા હતા. ધરતીની ભારે ધડબડાટી વચ્ચે આવેલા ભૂકંપના આંચકાને લીધે કચ્છના ધ્વસ્ત થયેલા નગર અને ગામોમાં ચારેબાજુ ધૂળના ઉડતા ગોટા વચ્ચે માતમ છવાઈ ગયો હતો. ધરાશાયી ગામો-શહેરોમાં સ્મશાન જેવો સન્નાટાભર્યો માહોલ સર્જાયો હતો. લોકો ભયભીત અને અવાચક બન્યા હતા. આ ઉપરાંત સતત ચાલુ રહેલા આફટરશોકને લીધે ભય અને દહેશતનું વાતાવરણ સતત રહેતું હતું.
આરોગ્ય અને શિક્ષણસેવાની મોટા ભાગની ઈમારતો ધ્વસ્ત અને ક્ષતિગ્રસ્ત
ગોઝારા ભૂકંપ સમયે અફવાઓનું બજાર પણ ગરમ રહેતું હતું, મોતના તાંડવને પરિણામે અને આફટરશોક, રોગચાળા તથા લૂંટફાટની બીકે લોકો તાત્કાલિક કચ્છથી બહાર ભાગવા લાગ્યા હતા. ભારે ભૂકંપને લીધે વીજ, સંદેશાવ્યવહાર, પાણી અને પરિવહન પણ ઠપ થઈ ગયો હતો. આરોગ્ય અને શિક્ષણ સેવાની મોટા ભાગની ઈમારતો ધ્વસ્ત અને ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. રક્ષિત સ્મારકો, ધાર્મિક સ્થાનકો, ઐતિહાસિક ઈમારતો અને મધ્યમકક્ષાના ડેમોની પણ આ ભૂકંપમાં દુર્દશા થઈ હતી. કચ્છના પેટાળમાંથી ગરમ ખારું પાણી અને કાદવ બહાર નીકળ્યા હતા અને ભારે તિરાડો પડી ગઈ હતી.
કચ્છની મૃત્યુ સંખ્યા 18,350 નોંધાઈ
કચ્છમાં આવેલો ગોઝારો ભૂકંપ સદીના સૌથી કાળા દિનનો બિનસત્તાવાર મરણાંક 30,000થી 40,000 ચાલીસ જેટલો અંદાજાયો હતો. પરંતુ માર્ચ મહિનાના પ્રારંભે બહાર આવેલા સત્તાવાર આંકડા પ્રમાણે કચ્છની મૃત્યુ સંખ્યા 18,350 અને ઈજાગ્રસ્તોની સંખ્યા 1,02,289 નોંધાઈ હતી. રાજયના રિલીફ કમિશ્નર પી.૫નીરવેલ 9 મેના આપેલી માહિતી અનુસાર ગુજરાત રાજ્યના 20,086 ના માનવ મૃત્યુ આંકમાં કચ્છ જિલ્લાનો આંક 18,498 દર્શાવવામાં આવ્યો હતો એટલે કે 92 ટકા મૃત્યુ એકલા કચ્છમાં જ થયા હતા.
રાજ્યના 1,66,061 ઈજાગ્રસ્તોમાંથી એકલા કચ્છ જિલ્લામાં 1,39,048 ઈજાગ્રસ્તો
કચ્છમાં ભૂકંપથી માનવમૃત્યુનો સત્તાવાર આંક ફરી જુલાઈમાં સામે આવ્યો. જેમાં 15,553 મૃત્યુ નોંધાયા હતા. આ આંકમાં ભુજ શહેર ગ્રામ્ય મળીને 4603, માંડવી 79, અંજાર 3497, ગાંધીધામ 880, ભચાઉ 5549 અને રાપર 833 ઉપરાંત માત્ર ગ્રામ્ય વિસ્તારમાં નખત્રાણા 25, મુન્દ્રા 68, અબડાસા 20 અને લખપત 2નો સમાવેશ થાય છે. રાજ્યના 21 જિલ્લાઓના 181 તાલુકાઓના 7933 ગામો અસરગ્રસ્ત જે પૈકી કચ્છના દસે દસ તાલુકાના કુલ્લ 890 ગામો અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. રાજ્યમાં ઈજાગ્રસ્તોની કુલ સંખ્યા 1,66,061 માંથી એકલા કચ્છ જિલ્લામાં 1,39,048 ઈજાગ્રસ્તો હતા.
1,28,631 મકાનો સંપૂર્ણપણે નાશ
ગોઝારા ભૂકંપના ઈન્ડોર દર્દીઓની રાજ્યની કુલ સંખ્યા 20,717 સામે કચ્છની સંખ્યા 13441 હતી. તો માનવસ્તી કરતા વધુ પશુધન ધરાવતા જિલ્લામાં રાજયના 21258 પશુમૃત્યુના આંક સામે કચ્છ જિલ્લાના પશુમૃત્યુની સંખ્યા 20100 નોંધાઈ હતી. સમગ્ર રાજ્યમાં નાના અને અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને રૂ.2000 કરોડના નુકસાન સામે કચ્છ જિલ્લામાં નુકસાની 1000 કરોડ જેટલી થઈ હતી. કચ્છમાં ગ્રામ્ય અને શહેરી મળીને 1,28,631 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા જયારે 1,07,109 જેટલા મકાનો અંશતઃનાશ પામ્યા હતા.
ભૂકંપના 6 મહિનામાં કચ્છના 5 જેટલા કલેક્ટરો બદલાયા
કચ્છના ભૂકંપગ્રસ્ત વિસ્તારની મુલાકાતે સંરક્ષણમંત્રી જયોર્જ ફર્નાન્ડીઝ પણ આવ્યા હતા. તો ભૂકંપથી ભાંગી પડેલા કચ્છ અને બીજા વિસ્તારો માટે વિશ્વભરમાંથી સહાય અને સહાનુભૂતિ માટે પણ અનેક લોકો આવ્યા હતા. ભૂકંપના 6 મહિનામાં કચ્છના 5 જેટલા કલેક્ટરો બદલાઈ ચૂક્યા હતા. કચ્છ અને અમદાવાદના ભૂકંપગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા વડાપ્રધાન અટલબિહારી વાજપેયી તારાજી નિહાળીને વ્યથિત થયા હતા અને 500 કરોડની સહાય જાહેર કરી હતી. તો હવાઈ નિરીક્ષણને બદલે મોટરમાર્ગે ભુજની પરિસ્થિતિનો અંદાજ મેળવ્યો હતો.
મૃતદેહોને ઠેર ઠેર સામૂહિક અગ્નિદાહ
ગોઝારા ભૂકંપ બાદ લશ્કરની ત્રણેય પાંખ અને અર્ધલશ્કરી દળોએ પોતાની તમામ તાકાત કામે લગાડી યુદ્ધના ધોરણે બચાવ કામગીરી સંભાળી હતી અને 23000 જેટલા સૈનિક કામે લાગ્યા હતા. ભારતીય લશ્કર અને જર્મન, બ્રિટીશ, સ્વીસ, ઈઝરાયેલી, રુસી, તૂર્કીની રેસ્ક્યુ ટીમ- ડોગ સ્કવોડ કાટમાળમાંથી મૃતદેહો, ફસાયેલા લોકોને બહાર કાઢવાની કઠીન કામગીરી ભારે મહેનત કરીને બજાવી હતી. તો મૃતદેહોને ઠેર ઠેર સામૂહિક અગ્નિદાહ આપવામાં આવ્યા હતા.
1 વર્ષમાં 1000 જેટલા આફટરશોક નોંધાયા
બચાવ કામગીરી દરમ્યાન તંત્રમાં સંકલનનો ભારે અભાવ જોવા મળ્યો હતો અને બચાવ કામગીરી અને રાહત સામગ્રી વિતરણમાં ભારે અંધાધૂધી જોવા મળી હતી. બીજી બાજુ મુખ્ય સરકારી કચેરીઓ ધરાશાયી થતાં જિલ્લાનું તંત્ર પણ છિન્નભિન્ન થઈ ગયું હતું. ગોઝારા ભૂકંપ બાદ પણ હળવા-ભારે આફટરશોક ચાલુ હતા અને 1 વર્ષમાં 1000 જેટલા આફટરશોક નોંધાયા હતા. જે પૈકી 4 અને 5ની તીવ્રતાથી વધુના આંચકાઓ પણ નોંધાયા હતા.
યુ.એન, યુનિસેફ, રેડક્રોસ અને બીજી સંસ્થાઓ પણ સેવામાં
કાઠિયાવાડને કચ્છ સાથે જોડતા સૂરજબારી પુલના પાયા ભૂકંપથી હચમચી જતા ભારે વાહનોની પ્રવેશબંધીને લીધે કચ્છ અન્ય વિસ્તારથી વિખૂટું પડ્યું હતું. સ્વૈચ્છિક સંસ્થાઓ સેવાભાવી ધાર્મિક સંગઠનોએ ભગીરથ રાહતકાર્ય હાથ ધર્યું હતું. ગોઝારા ભૂકંપના સાક્ષી બનેલા લોકોમાં માનસિક બીમારીઓ પણ જોવા મળી હતી. કચ્છમાં મુખ્યપ્રધાન કેશુભાઈ પણ 5 દિવસ માટે આવ્યા હતા અને રાહતકામ પર જાતે દેખરેખ રાખી હતી. કચ્છમાં કેટલાક સ્થળે વીજળી અને સંદેશા વ્યવહાર અંશતઃશરૂ થયા હતા. તો કેન્દ્રીય ગૃહમંત્રી એલ.કે.અડવાણી કચ્છના બે દિવસના પ્રવાસે આવી પહોંચ્યા. યુ.એન-યુનિસેફ- રેડક્રોસ અને બીજી સંસ્થાઓ પણ સેવામાં જોડાઈ હતી.
ટેન્ટ અને ધાબળા માટે ભૂકંપ પીડિતો વલખા મારી રહ્યા હતા
ફેબ્રુઆરી માસમાં કચ્છમાં ભૂકંપની સ્થિતિને લક્ષમાં લઈ એસ.ટી.બસ સેવા મફત જાહેર કરવામાં આવી હતી. બચાવ કામગીરી અને રાહતમાં ટેન્ટ અને ધાબળા માટે ભૂકંપ પીડિતો વલખા મારી રહ્યા હતા. મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધી પણ કચ્છમાં દવાની સહાય કરવા માટે આવ્યા હતા. 3 ફેબ્રુઆરીના કચ્છના કલેકટર કમલ દયાની રાતોરાત બદલાયા હતા અને વડોદરાથી અનિલ મુકીમને કચ્છમાં મુકવામાં આવ્યા હતા.
કચ્છના વણકરો માટે વસ્ત્ર મંત્રાલયની 23 કરોડની સહાય જાહેર
ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં પાયાની સવલતો ઉભી કરવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી રચાઈ હતી. જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના વૈજ્ઞાનિકોની ટીમ કચ્છમાં મોનિટરીંગ સ્ટેશન સ્થાપવા પણ કાર્યરત થઈ હતી. કચ્છના વણકરો માટે વસ્ત્ર મંત્રાલયની 23 કરોડની સહાય જાહેર કરવામાં આવી હતી. અસરગ્રસ્તોને કેશડોલ્સ ચૂકવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના ખાતાઓમાં ભૂકંપ રાહત ખાતાનો ઉમેરો થયો હતો અને મુખ્યપ્રધાનના અધ્યક્ષપદે 'ગુજરાત અર્થકવેક મેનેજમેન્ટ ઓથોરિટી' રચાઈ હતી.
વિવિધ પ્રધાનો અને નેતાઓએ કચ્છની મુલાકાત લીધી
કેન્દ્રીય શહેરી વિકાસપ્રધાન જગમોહને કચ્છની મુલાકાત બાદ ભૂકંપપીડિતોને હંગામી ધોરણે પિ.ફેબ્રિકેટેડ આવાસો આપવાનો નિર્ણય કર્યો હતો. આધુનિક આયોજન સાથે 'નયા કચ્છ'ને સાકાર કરવાનું જણાવતી કેન્દ્ર સરકાર નવું કચ્છ ટાઉનશીપ રચવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ જૂથના મંત્રીઓની દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યાર બાદ કચ્છની મુલાકાતે અને ભૂકંપના અસરગ્રસ્તોની સહાય માટે રાજયપાલ સુંદરસિંહ ભંડારી, અલગમતવાદી કાશ્મીરી નેતા શબ્બીર શાહ પણ આવ્યા હતા.
કચ્છમાં જનજીવન ફરીથી ધીમે-ધીમે ધબકતું થયું
કચ્છમાં 7મી ફેબ્રુઆરીથી વીજ અને પાણી પુરવઠાનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું. તો કચ્છ-સૌરાષ્ટ્રની ધરા ફરી ધણધણી ઉઠી હતી અને ચારથી વધુની તીવ્રતાવાળા આંચકાએ લોકોમાં ગભરાટ ફેલાવ્યો હતો. કેન્દ્રીય સંચાર રાજ્યપ્રધાન તપન શિકદરે પણ ભુજની મુલાકાત લીધી હતી. ગાંધીધામના દર્દીઓની વહારે હિન્દી ફિલ્મ અભિનેતા સાંસદ વિનોદખન્ના પણ આવ્યા હતા. ઉપરાંત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન સુષ્મા સ્વરાજે કચ્છની મુલાકાત દરમ્યાન ભૂકંપ અસરગ્રસ્તોને સાંત્વના આપી હતી અને આમ કચ્છમાં જનજીવન ફરીથી ધીમે-ધીમે ધબકતું થયું હતું.
પુનઃવસવાટ માટે મહત્ત્વાકાંક્ષી પેકેજ
પૂર્વ કચ્છના ગાંધીધામ-કંડલા સંકુલ પુનઃનિર્માણની જવાબદારી કંડલા પોર્ટ ટ્રસ્ટ ઉપાડી લેશે એવી જાહેરાત કેન્દ્રીય ભૂતળ પરિવહન પ્રધાન અરૂણ જેટલીએ કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધી ભૂકંપગ્રસ્ત કચ્છ જિલ્લાના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતના ભૂકંપ પીડિતોના પુન: સ્થાપન માટે વિરાટ સર્વગ્રાહી યોજનાની ઘોષાણા જેમાં તારાજ ગામો, ભુજ-ભચાઉ-અંજાર અને રાપર સિવાયના શહેરો અને આફતગ્રસ્તોના પુનઃવસવાટ માટે ચાર મહત્ત્વાકાંક્ષી પેકેજને રાજ્ય સરકારે લીલીઝંડી આપી હતી. આ સમયે રાજ્યભરમાં તમામ પ્રકારના બાંધકામો પર પ્રતિબંધ મૂકવાના આવ્યો હતો. તો ભૂકંપગ્રસ્તોની પીડામાં ભાગ પડાવવા વિશ્વ બેંક કચ્છ આવી પહોંચી હતી.
લઘુ ઉદ્યોગો માટે 377 કરોડનું પેકેજ
મે મહિનાની અંદર ભૂકપંગ્રસ્ત લઘુ ઉદ્યોગો માટે 377 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. તો કચ્છમાં હુકમ બાદ ટેક્સ હોલીડે જાહેર કર્યા હતા અને કંપનીઓ આવી અને કચ્છમાં પોતાના પ્લાન્ટ સ્થાપ્યા હતા અને સ્થાનિક રોજગારી પણ વધી હતી. તેમજ કચ્છ ફરીથી ધબકતું થયું હતું. ભૂકંપની વાર્ષિક તિથિ એ મૃતકોની યાદમાં કચ્છભરમાં શોક હતો. તેમ જ જિલ્લાભરમાં સ્વયંભુ બંધ પાડવામાં આવ્યો હતો.
કચ્છીઓ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા
કચ્છના લોકો આવી વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે અને આજે ક્ચ્છ દુનિયાના દેશો માટે રોલ મોડલ છે. કારણકે ભૂકંપમાં તહસનહસ થયેલા કચ્છમાં આજે હજારો ઉદ્યોગો, પાકા રસ્તાઓ , પ્રવાસન ઉદ્યોગો સાથે વિકાસકામોની વણઝારે કચ્છને દુનિયાના નકશામાં આગવી ઓળખ ઊભી કરી છે. કચ્છીઓ ખુમારી થકી આજે દુનિયામાં ગૌરવ પ્રાપ્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: