બારડોલી: બારડોલી પોલીસે ચિકલીગર ગેંગના બે સક્રિય સભ્યોની ધરપકડ કરી છે. પ્રદિપસિંહ અને બલવિંદરસિંહ નામના આ બંને આરોપીઓ રાત્રિ દરમિયાન બંધ મકાનોમાં ચોરી કરવાની ખાસ પદ્ધતિ અપનાવતા હતા.
આરોપીઓએ 2 ચોરીની કબૂલાત કરી
પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓએ બારડોલી-તેન રોડ પર આવેલી સાંઈનાથ નગર સોસાયટીમાં એક મકાનમાંથી ₹75,800ની મતા ચોરી હતી. આ ઉપરાંત અન્ય એક બંધ મકાનમાંથી ₹1.90 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આરોપીઓની કાર્યપદ્ધતિમાં મકાનના મુખ્ય દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશ કરવો અને કબાટ તેમજ લોકર તોડીને કિંમતી સામાન ચોરી કરવાનો સમાવેશ થતો હતો.
બંધ મકાનને ટાર્ગેટ કરતા
મોટા શહેરમાં જઈને ભાડે મકાન રાખીને રહેતા. આ બાદ દિવસ દરમિયાન તે વિસ્તારમાં ફરીને બંધ મકાનની તપાસ કરતા અને રાત્રિ દરમિયાન બહારથી માણસો બોલાવીને બંધ મકાનના તાળા તોડીને અંદર રહેલી મિલકતની ચોરી કરવાને અંજામ આપતા હતા. આરોપીઓ ચોરી કરવા માટે બહારથી પોતાના સગા-સંબંધીઓને બોલાવતા હતા.
બાતમીદારની માહિતીના આધારે પોલીસે તેન ગામની હદમાં આવેલી ચાણક્યપુરી સોસાયટીમાંથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પૂછપરછમાં તેમણે બારડોલી વિસ્તારમાં કરેલી ચોરીઓની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી કુલ ₹2.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું છે કે, આ બંને આરોપીઓ સામે સુરત શહેર, નવસારી અને અંકલેશ્વરમાં પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે બંને આરોપીઓને જેલ હવાલે કરી દીધા છે અને વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: