સંઘપ્રદેશ દીવમાં દીપડાએ મચાવ્યો આતંક, બે કલાક રહેવાસીઓના શ્વાસ અધ્ધર રહ્યા
🎬 Watch Now: Feature Video
Published : Dec 6, 2023, 6:29 PM IST
દીવ : સંઘપ્રદેશ દીવમાં દીપડાનો આતંક સામે આવ્યો છે. દીવના ઘોઘલા વિસ્તારમાં આવેલા સારાનગરમાં દીપડાએ લગભગ બે કલાક સુધી આતંક મચાવ્યો હતો. અહીં એક રહેણાંક મકાનમાં અચાનક દીપડો ઘૂસી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બે કલાકની ભારે જહેમત બાદ દીવ વનવિભાગે દીપડાને પાંજરે પૂરતા સ્થાનિક રહીશોએ નિરાંતે શ્વાસ લીધો હતો.
રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો દીપડો : સંઘપ્રદેશ દીવના ઘોઘલા વિસ્તારમાં એક દીપડો ઘૂસી આવતા સ્થાનિક રહીશોના શ્વાસ અધ્ધર થયા હતા. બપોરના સમયે ઘોઘલા વિસ્તારના સારાનગર રહેણાંક સોસાયટીના એક મકાનમાં અચાનક દીપડો ઘૂસી જતા ભારે અફરાતફરી સર્જાઈ હતી. દીપડો મકાનમાં ઘુસી જતા લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ત્યારબાદ વન વિભાગમાં દીપડો ઘરમાં ઘૂસી ગયાની જાણ કરવામાં આવી હતી.
માંડ માંડ હાથ આવ્યો ! આ અંગે માહિતી મળતા દીવ વન વિભાગના કર્મચારીઓએ દીપડાને પાંજરે પૂરવાની કામગીરી શરૂ કરી હતી. દીપડો રહેણાંક મકાનમાં હોવાને કારણે તેને સીધો પકડી પાડવો ખૂબ મુશ્કેલ હતો. ત્યારે વનવિભાગે માછલા પકડવાની જાળનો ઉપયોગ કરીને દીપડાને ટેપ કર્યો હતો. ત્યારબાદ દીપડાને બેભાન કરીને પાંજરે પૂર્યો હતો. જોકે બે કલાક સુધી સારાનગરના ભારે અફરાતફરીના માહોલ વચ્ચે દીપડો એક મકાનમાંથી બીજા મકાનમાં જતો જોવા મળતો હતો. જેને લઈને સોસાયટીના રહીશોમાં ભારે હડકંપ જોવા મળતો હતો.