Dumas Beach Garba : સુરતના ડુમસ બીચ પર ગરબાની રમઝટ બોલી
🎬 Watch Now: Feature Video
સુરત : નવરાત્રી તહેવારને હજી છ મહિના જેટલી વાર છે. પરંતુ છેલછબીલા સુરતવાસીઓમાં અત્યારથી જ નવરાત્રીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી પહેલા જ સુરતના યુવાનો ગરબા રમતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનિય છે કે, પાછલા અમુક વર્ષોમાં નવરાત્રીમાં ગરબાએ ભારે આકર્ષણ જમાવ્યું છે. દરવર્ષે નવરાત્રીના અમુક મહિના પહેલા જ ખેલૈયાઓ ગરબા ક્લાસમાં વિવિધ ગરબાની પ્રેક્ટિસ શરુ કરી દેતા હોય છે.
દરિયાકાંઠે ગરબાની રમઝટ : સમગ્ર ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતના ડુમસ બીચ પર વરસાદના માહોલમાં સુરતના યુવક-યુવતીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. દરિયાકાંઠે આશરે 70 થી 80 જેટલા યુવક-યુવતીઓનું ગ્રુપ એક તાલે ગરબે ઝુમ્યા હતા. ગરબા સાથે જય જય અંબેના નાદે વરસાદી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. સુરતના યુવક યુવતીઓ ડોડીયાના વિવિધ સ્ટેપ પર મન મુકીને ગરબે ઘૂમ્યા હતા. વરસાદની સિઝનમાં યુવાઓ માત્ર ફરવા જ નહીં પરંતુ ત્યાં ગરબા કરતા પણ જોવા મળ્યા હતા.
સહેલાણીઓને ઘેલું લાગ્યું : નવરાત્રીમાં ગરબા રમવામાં જેટલો આનંદ આવે છે. કદાચ તેટલી જ મજા ખેલૈયાઓને ગરબે ઘુમતે જોવામાં પણ આવતી જ હશે. ડુમસ બીચ પર અવનવા ગરબાના સ્ટેપ પર ઝુમતા યુવક-યુવતીઓને જોવા માટે પણ સહેલાણી ટોળે વળ્યા હતા. ઉલ્લેખનિય છે કે, પાછલા અમુક વર્ષોમાં ગરબા ક્લાસના બિઝનેસે ભારે તેજી પકડી છે. દરેક વયના લોકો નવરાત્રી પહેલાથી જ વિવિધ ગરબા શીખવાની શરુઆત કરી દેતા હોય છે.
ગરબા ક્લાસ : નવરાત્રીમાં ગરબા ફક્ત આનંદ અને ભક્તી માટે જ રમવામાં આવતા નથી. મહાનગરો અને શહેરોમાં અલગ અલગ સંસ્થાઓ ગરબાનું આયોજન કરતી હોય છે. આ સાથે ખૈલેયાઓને પ્રોત્સાહિત કરવા માટે આકર્ષક ઇનામો પણ રાખવામાં આવતા હોય છે. જેમાં પોશાક અને ગરબાના સ્ટેપ વગેરેમાં સૌથી સારા પ્રદર્શન કરતા યુવક અથવા યુવતીને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે. આથી વ્યક્તિગત અથવા ગ્રુપમાં ગરબા શીખવાનું ચલણ મોટા પ્રમાણમાં વધ્યું છે.