Jamnagar Lioness : જામનગરમાં ઐતિહાસિક કિસ્સો, દોઢસો વર્ષમાં પ્રથમવાર સડોદર નજીક સિંહણની પધરામણી - જામનગર વનવિભાગ
🎬 Watch Now: Feature Video
Published : Jan 6, 2024, 5:30 PM IST
જામનગર : દોઢસો વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર જામજોધપુરના સડોદર નજીક સિંહણે દેખા દીધી છે. સડોદર નજીક આવેલ ફૂલનાથ મહાદેવ મંદિરની વિડી વિસ્તારમાં સિંહણ આવી હોવાની સત્તાવાર વિગતો બહાર આવતા પંથકમાં ભારે ઉત્તેજના ફેલાઈ છે. વનવિભાગ દ્વારા સિંહણની આ હિલચાલને અભુતપુર્વ ગણાવવામાં આવી છે. ધીમે ધીમે સિંહ પરિવાર પોતાનો વિસ્તાર વધારી રહ્યા હોવાના સંકેત પણ મળ્યા છે.
સડોદર આંગણે સિંહણની પધરામણી : ગતરોજ સડોદર અને ત્યારબાદ ધુનધોરાજી વિસ્તારમાં દીપડો ઘૂસી આવ્યો હોવાની વાત ઉડી હતી. આ સંબંધે વનવિભાગની ટીમ દ્વારા તાત્કાલિક પાંજરા મુકીને દીપડાને કેદ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન સડોદર વિસ્તરમાં એક કેમેરામાં જંગલી પ્રાણી આંટાફેરા કરતા જોવા મળ્યું હતું. જ્યારે કેમેરાના ફૂટેજ તપાસતા વનવિભાગના અધિકારીઓની આંખો ચાર થઈ ગઈ હતી, કારણ કે આ દીપડો નહીં પરંતુ સિંહણ હોવાનું જાણવા મળ્યું હતું.
વનવિભાગની કાર્યવાહી : સડોદર નજીક આવેલ ફુલનાથ મહાદેવ મંદિરની વિડી વિસ્તારમાં આંટાફેરા કરતી સિંહણ કેમેરામાં કેદ થઈ હતી. હાલમાં પણ ત્યાં જ સિંહણનો મુકામ છે અને સિંહણની સાથે જંગલના રાજા કે પછી તેના કોઈ શ્રાવકો સાથે આવ્યા છે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.
ઐતિહાસિક કિસ્સો : DFO આર. ધનપાલ અને RFO રાજન જાદવ સાથે ટેલીફોનીક વાતચીત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, પાછલા 150 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વખત બન્યું છે કે ફુલનાથ મહાદેવ મંદિરના વિડી વિસ્તાર સુધી સિંહણ આવી છે. માત્ર ફુટ પ્રિન્ટ જ નહીં પરંતુ કેમેરામાં પણ સ્પષ્ટ રીતે સિંહણ જોવા મળી છે. હાલમાં આ બાબતે વધુ પેનિક ન ફેલાય અને સિંહણને જોવા માટે લોકોની ભીડ ન થાય તે બાબતે તકેદારી રાખવામાં આવી રહી છે.