Cyclone Biparjoy: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે ઓખાના સમુદ્રમાંથી રેસ્ક્યુ કરીને 50 લોકોને બચાવ્યા, જૂઓ વીડિયો
🎬 Watch Now: Feature Video
દ્વારકા: બિપરજોય વાવાઝોડાનો ખતરો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે. ત્યારે વાવાઝોડું હવે જેમ જેમ નજીક આવતું જાય છે તેમ પવનની ગતિમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટને પગલે સ્થળાંતર કરાઈ રહ્યું છે. ત્યારે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દ્વારકા સમુદ્રમાં સ્થિત ઓઈલ રિંગમાં કામ કરી રહેલા 50 લોકોને રેસ્કયૂ કરીને બચાવી લેવાયા છે. ગુજરાતના ઓખાના શિપ શૂર અને એએલએચ એમકે-થ્રીના જેક અપ રિંગ ‘કી સિંગાપોર’માંથી કુલ 50 કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. 12 જૂને 26 ક્રૂ મેમ્બરને બચાવ્યા હતા અને આજે વધુ 24 ક્રૂ મેમ્બરને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા ચોપર દ્વારા બચાવ્યા છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમે જીવના જોખમે હેલિકોપ્ટર દ્વારા તમામને બચાવી લીધા હતા. આ પહેલા ગઈકાલે દ્વારકા અને ઓખા વચ્ચેના દરિયામાં એક ખાનગી કંપનીની ઓઇલ રિંગમાં ફસાયેલા 11 કર્મચારીઓને ભારતીય તટ રક્ષક દળના હેલિકોપ્ટરની મદદથી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ : અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.