Ahmedabad Rath Yatra 2023: ભગવાન જગન્નાથના નવા રથની વિશેષતા - Features of Lord Jagannaths new chariot
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: આજે અષાઢી બીજ એટલે રથયાત્રાનો પાવન પર્વ છે. આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઇ બલરામ નગરચર્યા પર નીકળ્યા છે.
નવા રથની વિશેષતા: ભગવાન જગન્નાથના રથને 250 ઘન ફૂટ સવનના લાકડાથી બનાવાયો છે. ભગવાનનો રથ હાઇટેક રીતે તૈયાર કરવામાં આવ્યો છે. રથમાં આધુનિક સુરક્ષા માટેના સાધનો ફિટ કરવામાં આવ્યા છે. રથમાં 11 CCTV કેમેરા ફિટ કરવામાં આવ્યા છે. જેમાંથી મુખ્ય કેમેરો નાઇટ વિઝન વાળો છે. કારણ કે, રથયાત્રા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડશે.
સુરક્ષા વ્યવસ્થા: કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં પહોંચીને મંગળા આરતીમાં જોડાયા હતા. અમિત શાહએ દર વર્ષની જેમ આ વર્ષે પણ મંગળા આરતીમાં ભાગ લીધો હતો.
પહિંદ વિધિ: રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી. આ વિધિ દર વર્ષે રાજ્યના મુખ્યપ્રધાન કરતા હોય છે. પહિંદ વિધિ એટલે નગરનો રાજા સામાન્ય વ્યક્તિના પહેરવેશ પહેરીને રથની આસપાસની જગ્યાને સોનાની સાવરણીથી સફાઇ કરે. રથ જે રસ્તા પરથી પસાર થવાનો છે તે રસ્તાને સોનાની સાવરણીથી શુદ્ધ કરવાની વિધિને પહિંદ વિધિ કહેવામાં આવે છે.
રથયાત્રામાં આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સનો પહેલીવાર ઉપયોગ: ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાની તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. ત્યારે આ વખતે રથયાત્રામાં આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સનો પહેલીવાર ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર રથયાત્રાના રૂટનું 3D મેપિંગ કરવામાં આવ્યું છે. ત્યારે રથયાત્રામાં હવે વર્ચ્યુઅલ રિયાલિટી ડ્રોન મેપિંગથી વોચ રાખવામાં આવશે. આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સને કારણે નાનામાં નાની ગતિવિધિ પર પણ નજર રાખી શકાશે.
પ્રથમ વખત એન્ટી ડ્રોન: રાજ્ય સરકારના પ્રધાન હર્ષ સંઘવીનું કહેવું છે કે, રથયાત્રા દરમિયાન અનધિકૃત ડ્રોનનો ઉપયોગ ન થાય તે માટે પ્રથમ વખત એન્ટી ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્યભરમાં અનેક જિલ્લામાં રથયાત્રાઓ કાઢવાની તૈયારીઓ છે. ભારે પોલીસ ફોર્સ અને CCTV કેમેરા યાત્રા દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરશે. ઉલ્લેખનીય છે કે, આ વખતે પોલીસ વિભાગ અને સરકાર દ્વારા લોકોની સુરક્ષા તેમજ શાંતિ પૂર્ણ માહોલમાં સમગ્ર રથયાત્રાનો ઉત્સવ સંપન્ન થાય તે માટે અગાઉથી મહેનત કરવામાં આવી હતી.
3D મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ: અમદાવાદમાં રથયાત્રા દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. રથયાત્રા પૂર્વે શહેરમાં પોલીસ વિભાગ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરી સુધારા વધારા પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે રથયાત્રાના સમગ્ર રૂટ પર 3D મેપિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ખાસ ચિહ્નિત પોઈન્ટ્સ પણ હશે. જેમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં આ વખતે ભગવાનનો રથ ક્યાં પહોંચ્યો છે, તેની પળેપળની ખબર પોલીસને મળશે.