લોકસભા ચૂંટણી આયોજનો સાથે તૈયાર ગુજરાત આપ, ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં ઇશુદાન ગઢવીએ શું કહ્યું? - ચૈતર વસાવા વિવાદ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Nov 28, 2023, 5:59 PM IST

Updated : Nov 28, 2023, 6:55 PM IST

ગાંધીનગર : જાન્યુઆરી 2024થી સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામતો જશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એકબીજાની ટક્કરમાં રહેલા પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકસાથે મળીને 26 લોકસભા બેઠક પર ગઠબંધનમાં ચૂંટણી લડશે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ સાથે ચૂંટણી રણનીતિ અને ચૈતર વસાવા વિવાદ સહિતના પક્ષના ચર્ચાસ્પદ મુદ્દાઓની તરતપાસ કરવા ઈટીવી ભારત સંવાદદાતા પાર્થ જાનીએે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન ઇશુદાન ગઢવીએ ભરૂચ લોકસભા બેઠક પર ચૈતર વસાવા જ ચૂંટણી લડશે તેવી સત્તાવાર જાહેરાત કરી હતી. આવો જાણીએ કેવી રહી ચર્ચા.

પ્રશ્ન :  2024ની ચૂંટણીને કઈ રીતે જૂઓ છો ? 

ઇશુદાન ગઢવી : આગામી લોકસભાની ચૂંટણી જે આવી રહી છે તેમાં આમ આદમી પાર્ટી લોકસભાની ચૂંટણી મજબૂતાઈથી લડશે. આમ આદમી પાર્ટી દ્વારા એના માટે આગામી સમયમાં પહેલા તબક્કામાં 13 બેઠક અને બીજા તબક્કામાં 13 બેઠક એમ કરીને ચૂંટણી યાત્રાઓનું આયોજન કરવામાં આવશે.  જ્યારે હાલમાં સ્નેહમિલન આયોજન જિલ્લા પ્રમાણે પણ કરવામાં આવ્યું છે અને તે આગામી 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. ચૂંટણીમાં મજબૂત પરફોર્મન્સ આપવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અત્યારે ઓનલાઇન એન્ટ્રીઓ કરવામાં આવી રહી છે.  52000 બૂથ ઉપર જે કાર્યકર્તાઓ છે,  હોદ્દેદારો છે તેમાં મારું બૂથ મારી જવાબદારીના સૂત્ર સાથે કેમ્પેઇન પણ ચાલુ કરવામાં આવ્યું છે.

પ્રશ્ન : ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણીની તુલનામાં હવે કેવું આયોજન રહેશે ? 

ઈશુદાન ગઢવી : આમ આદમી પાર્ટી આખા ભારતની નવી આશા બનીને ઊભરી રહી છે. કેજરીવાલ 10 વર્ષની અંદર 2 રાજ્યોમાં સરકાર બનાવી છે. બીજા 2 રાજ્યોમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો છે.  ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં ત્રીજો પક્ષ ચાલતો નથી તેવા મહેણાંટોણાં મારવામાં આવતા હતાં. જ્યાં અગાઉના મુખ્યપ્રધાનના લેવલના વ્યક્તિ કેશુભાઈ પટેલે પણ ત્રીજો પક્ષ રચ્યો હતો પરંતુ તેમને પણ આટલી ટકાવારી મળી ન હતી. વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 14  ટકા મત પ્રાપ્ત થયા છે. સૌરાષ્ટ્ર અને આદિવાસી પટ્ટામાં 26 ટકા જેટલા મત આમ આદમી પાર્ટીને પ્રાપ્ત થયા છે.  ગુજરાતમાં  41 લાખ મત સાથે 5 ધારાસભ્ય છે. 35 બેઠકો ઉપર અમે બીજા નંબરે છીએ, એ ખૂબ મોટી આમ આદમી પાર્ટીની છલાંગ છે. ગુજરાતની જનતાએ ખૂબ પ્રેમ આપ્યો છે અને તેના અનુસંધાને લોકસભામાં પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી લોકસભામાં જે જે દાવેદારો છે તેમના કેમ્પેઇન જાન્યુઆરી 2024થી શરૂ કરવામાં આવશે. પછી કેજરીવાલ અને ભગવત માનની સભાનું પણ ગુજરાતમાં આયોજન કરવામાં આવશે. ગુજરાતમાં આ વખતે ભાજપ 26માંથી 26 બેઠકો પ્રાપ્ત નહીં કરી શકે. 

પ્રશ્ન : INDIA ઇન્ડિયા ગઠબંધન નિષ્ફળ રહ્યું તો 26 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારીઓ કેવી ? 

ઇશુદાન ગઢવી :  INDIA ગઠબંધનની મીટિંગો થઈ રહી છે અને આવનારા દિવસોમાં વધુ બેઠકો પણ થશે. ઉપરાંત દેશમાં INDIA ગઠબંધન વ્યવસ્થિત ચાલશે તો ગુજરાતમાં ગઠબંધન લાગુ પડશે. જ્યારે ગુજરાત પ્રવાસે સંજયસિંહ આવ્યાં તયારે તમામ બેઠકો પર બ્લ્યુ પ્રિન્ટ આપવામાં આવી છે. આ સમગ્ર મામલે કેજરીવાલને ખ્યાલ છે. આમાં ગુજરાતની 26 બેઠકો પૈકી જે બેઠકો ઉપર જીતી શકાય તેવી બેઠકો છે તેેમાં આમ આદમી પાર્ટી ગઠબંધનમાં ઉમેદવાર ઉતારશે પણ જો ગઠબંધન સફળ ન રહ્યું તો આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડશે. 

પ્રશ્ન :  ચૈતર વસાવા ભરૂચ બેઠક પર ચૂંટણી લડશે ? 

ઇશુદાન ગઢવી :  ચૈતર વસાવા એ ફક્ત ધારાસભ્ય નથી પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પણ છે. આખો આદિવાસી વિસ્તાર તે ચૈતર વસાવાને જૂએ છે.  ભાજપ હંમેશા આદિવાસી લીડરશિપનો વિરોધી થયું છે અને જે પણ મજબૂત લીડર હોય તેને દબાવી દેવાના અને તેમને ષડયંત્ર કરવાના. ચૈતર વસાવા અત્યારે ફસાઈ ગયા છે, પણ ભાજપનો દાવ ઊંધો પડ્યો છે. અત્યારે ચૈતર વસાવાને લઈને આદિવાસી સમાજમાં ભાજપ સામે રોષની લાગણી છે અને ન માત્ર ભરૂચ, પરંતુ બીજી બેઠકો પણ કે જ્યાં આદિવાસી સમાજનું પ્રભુત્વ છે તે બેઠકો જીતી શકે તેવી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી આવી ગયું છે. એટલું ચોક્કસ છે કે આગામી સમયમાં પ્રચાર પણ કરવામાં આવશે. હું અને ચૈતર વસાવા આખું કેમ્પેઇન ચલાવીશું. ભાજપ પહેલા તો યુસીસી લાવીને આદિવાસી સમાજ માટે તરાપ  મારવાનો પ્લાન હતો. પણ ચૈતર વસવાને જેલમાં નાખવાનો કારસો રચ્યો છે તેનાથી આદિવાસી સમાજ ખફા છે. ચૈતર વસાવા ભરૂચ લોકસભા પર લડશે.

Last Updated : Nov 28, 2023, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.