અંબાજી: અંબાજીમાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને જિલ્લા પોલીસવડા વચ્ચે બોલાચાલી થયાના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં અસરગ્રસ્તો માટે વ્યવસ્થાની વાત કરતા સમયે ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી ઉશ્કેરાટમાં બોલ્યા કે, જો અસરગ્રસ્તો માટે વ્યવસ્થા નહીં થાય તો કોઈપણ મંત્રીને અંબાજીમાં પ્રવેશવા નહીં દઈએ. ત્યારે એસ.પી નારાજ થયા હતા. તેમને કહ્યું કે, આ પ્રકારની ધમકી નહીં ચાલે અમે પણ કાર્યવાહી કરીશું. આમ ધારાસભ્ય અને જિલ્લા પોલીસવડા વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી.
અંબાજીમાં ડિમોલિશન બાદ નેતાઓ મુલાકાતે પહોંચ્યા હતા
અંબાજીમાં શક્તિ કોરિડોર બનાવવા માટે 89 જેટલા મકાનો સહિતના બાંધકામ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે અને અસરગ્રસ્તો ખુલ્લામાં રહેવા માટે મજબૂર બન્યા છે. ત્યારે આજે કોંગ્રેસ ડેલિગેશન આ અસરગ્રસ્તોની મુલાકાત માટે પહોંચ્યું હતું અને અસરગ્રસ્તો સાથે સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમજ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ લાલજીભાઈ દેસાઈ સહિતના નેતાઓએ વાતચીત કરી હતી.
વૈકલ્પિક વ્યવસ્થા માટે માંગ
જિલ્લા પોલીસવડા પણ અહીંયા પહોંચ્યા હતા. તેમણે તમામ અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની અને પીએમ આવાસ યોજના હેઠળ મકાન આપવાની બાંહેધરી આપી હતી. તે સમય દરમિયાન ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ઉશ્કેરાટમાં આવીને બોલ્યા કે, જો વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો કોઈપણ મંત્રીને અંબાજીમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. ત્યારે જિલ્લા પોલીસવડા નારાજ થયા હતા. તેમને કહ્યું કે, આ પ્રકારની ધમકી નહીં ચાલે. હું અહીં આપના માટે આવ્યો છું, આપના સારા માટે બધા પ્રયત્નો કરૂ છું, મને આ ભાષા યોગ્ય નથી.
એસ.પીએ ધારાસભ્યને સંભળાવી દીધી
એસપીની વાત બાદ કાંતિભાઈ ખરાડીએ કહ્યું, અમે લોકશાહીના ઢબે જઈ રહ્યા છીએ. અમે ધમકી નથી આપતા. આ સમયે જીગ્નેશ મેવાણી વચ્ચે આવી વાત સમજવાનો પ્રયત્ન કરે છે અને તે કહે છે કે, બોલેલું પાળવા માટે તંત્ર બંધાયેલું છે, જોકે ત્યાર બાદ એસપીએ કહ્યું કે, પછી હું મારી રીતે કાર્યવાહી કરીશ.આમ ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી અને જિલ્લા પોલીસ વડા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
મહત્વનું છે કે, આવતીકાલે શ્રી 51 શક્તિપીઠનો પરિક્રમા મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે અને આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ અંબાજી ખાતે આવવાના છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તરફથી પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ જે લોકોના મકાન તૂટ્યા છે તેઓ છેલ્લા કેટલાય દિવસથી ખુલ્લામાં રહેવા માટે મજબૂર બન્યા છે. આ બંને પરિસ્થિતિ વચ્ચે કાયદો વ્યવસ્થા જાળવવા માટેની ચિંતા વધી ગઈ છે. જોકે આ મામલે જિલ્લા પોલીસવડાએ અસરગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમને યોગ્ય વ્યવસ્થા કરી આપવાની બાંહેધરી આપી છે. ત્યારે હવે ડિમોલિશન બાદ ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે હવે પરિક્રમા મહોત્સવ માટેની સુરક્ષા અને વ્યવસ્થામાં પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: