વડોદરામાં ફેરિયાઓને લોન આપવાની યોજનાથી ગરીબ વર્ગને આર્થિક રાહત - give loans to hawkers in Vadodara
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને અથવા તો એક જ જગ્યાએ બેસીને ધંધો કરતા ફેરિયાઓને મદદરૂપ થવાના હેતુસર વડાપ્રધાન શહેરી ફેરિયા આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ 10 હજાર રૂપિયાની લોન આપવાની યોજનાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વિવિધ કેટેગરી પ્રમાણે શહેરી ફેરિયાઓના ઓનલાઈન લોન ફોર્મ ભરવાનું કાર્ય હાલ સેવાસદનની યુસીડી ઑફિસ તથા વિવિધ વોર્ડ કચેરીઓ ખાતે ચાલી રહી છે. આ યોજનાથી લોકડાઉનને કારણે આર્થિક માર સહન કરનારા ગરીબ અને શ્રમજીવી વર્ગના નાગરિકોને આર્થિક રાહતની આશા શહેરના ફેરિયાઓ અનુભવી રહ્યા છે. આ યોજના અંતર્ગત તમામ ફેરિયાઓને આવરી લેવાય તે હેતુસર ફેરિયા તરીકે નહિ નોંધાયેલા ફેરિયાઓ પાસેથી 300 રૂપિયાનો વહીવટી ચાર્જ ઓનલાઈન વસુલવામાં આવે છે. જેથી આ ફેરિયાઓ ક્યા વિસ્તારમાં ક્યા પ્રકારનો ધંધો કરે છે તેની વિગતો ઉપલબ્ધ થવાથી લોન મેળવવાની પ્રક્રિયામાં સરળતા થઈ રહે. આ સમગ્ર યોજના અંગે યુસીડી વિભાગના પ્રોજેક્ટ ઑફિસર ક્રિષ્નાબેન સોલંકીએ વધુ વિગત આપી હતી. જ્યારે લોન મેળવવાની પ્રક્રિયામાં આવેલા એક શહેરી ફેરિયાએ પણ આ યોજનાથી તેવોને આર્થિક રાહત મળી રહેવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.