ન્યૂઝ ડેસ્કઃ શારીરિક સબંધ એ પ્રસન્ન દાંપત્ય જીવનની ચાવી ગણાય છે, પરંતુ કેટલીક વખત, એક પાર્ટનરને બીજા પાર્ટનર જેટલી કામેચ્છા થતી નથી અને તેના કારણે બન્ને વચ્ચેના સબંધો તંગ થઇ શકે છે. કામેચ્છાનો અભાવ એ ઘણાં લોકોનું લગ્ન જીવન તૂટવા પાછળનું એક જવાબદાર કારણ હોય છે. કામેચ્છા ઉદ્દીપ્ત ન થવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઇ શકે છે. આ કારણો શારીરિક તથા માનસિક પણ હોઇ શકે છે. વળી, કેટલીક ચોક્કસ સ્થિતિમાં તે કોઇ ગંભીર બિમારીનું લક્ષણ પણ હોઇ શકે છે અને આથી, તેની અવગણના ન કરવી જોઇએ. કામેચ્છા એટલે શું અને કયાં પરિબળો તેને પ્રભાવિત કરે છે, તે વિશે ETV BHARAT સુખીભવ ટીમે ડૉ.વીણા ક્રિષ્નન સાથે વાત-ચીત કરી હતી. ડૉ.વીણા ક્રિષ્નને આપેલી સમજૂતી અહીં પ્રસ્તુત છેઃ
કામેચ્છાનો અભાવ એટલે શું અને તે પાછળ કયાં કારણો જવાબદાર હોય છે?
ઘણી વખત મહિલાઓમાં અથવા પુરુષોમાં શારીરિક સબંધ બાંધવાની ઇચ્છા ઘટી જાય છે અથવા તો તદ્દન નાબૂદ થઇ જાય છે અને તેની સાથે ઘણાં કારણો સંકળાયેલાં હોઇ શકે છે. ડૉ.વીણા ક્રિષ્નન સમજાવે છે કે, કામેચ્છાનો અભાવ વ્યક્તિના અંગત સબંધો પર સીધી વિપરિત અસર પહોંચાડે છે. પાર્ટનર્સ વચ્ચે બંધાતો જાતીય સબંધ સબંધને તેમજ એકમેક પ્રત્યેના પ્રેમને પ્રગાઢ બનાવે છે. આ સાથે જ તે બે પાર્ટનર વચ્ચે વિશ્વાસ અને નિર્ભરતા વધારે છે. આ ઉપરાંત, વ્યક્તિની શારીરિક તંદુરસ્તી માટે પણ પ્રસન્ન, આનંદદાયક અને સંતોષકારક જાતીય જીવન જરૂરી છે, કારણ કે, જાતીય સબંધથી શરીરમાં ઉત્પન્ન થતા ઘણા હોર્મોન્સ ઘણી બિમારીઓ સામે વ્યક્તિને રક્ષણ પૂરું પાડે છે.
ડૉ.ક્રિષ્નન વધુમાં જણાવે છે કે, ઘણી વખત તેમની પાસે એવા દર્દીઓ આવે છે, જેમને તેમની કામેચ્છા ઘટી જવા પાછળના કારણ વિશે ખબર હોતી નથી. જો આપણે મહિલાઓની વાત કરીએ, તો તેઓ મોટાભાગે તેમની જાતીય સમસ્યાઓ વિશે કે જાતીય ઇચ્છાઓ વિશે તેમના પાર્ટનર સાથે ખૂલીને વાત કરી શકતી નથી. તેના પરિણામસ્વરૂપે, ધીમે-ધીમે તેમનો પાર્ટનર સાથે જાતીય સબંધ બાંધવામાંથી રસ ઊડી જાય છે. વળી, લાંબા સમય સુધી સાથે રહ્યા પછી પાર્ટનર્સ વચ્ચે એક પ્રકારનો કંટાળો પ્રવર્તવા માંડે છે અને તેના કારણે, જાતીય સબંધ બાંધવાની તેમની ઇચ્છા પણ ઘટવા માંડે છે.
કેટલીક વખત, અમુક ગંભીર આરોગ્યલક્ષી બિમારીઓ મટાડવા માટે અપાતી દવા પણ આ માટેનું મોટું કારણ બની શકે છે. ડૉ.ક્રિષ્નન સમજાવે છે કે, જાતીય ઇચ્છા ઘટવી એ કોઇ ન્યૂરોલોજિકલ સ્થિતિ, કેન્સર અથવા તો રોગિષ્ઠ બિમારી વણસવા પાછળનું લક્ષણ પણ હોઇ શકે છે. આથી, સ્થિતિ વધુ જટિલ બને, તે પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અત્યંત આવશ્યક છે. વળી, જો આ સ્થિતિને નજરઅંદાજ કરવામાં આવે, તો તે કાયમી પણ બની શકે છે. આ ઉપરાંત, જાતીય સબંધ બાંધવાની વ્યક્તિની ઇચ્છા પર વિપરિત અસર પહોંચાડતાં અન્ય કેટલાંક ચોક્કસ કારણો નીચે પ્રમાણે છે.
જાતીય સબંધ વિશે ખોટી માહિતી
ખાસ કરીને યુવા પેઢીમાં આ સમસ્યા વધુ પ્રચલિત હોય છે. જ્યારે મિત્રો, સબંધીઓ અને પોર્નોગ્રાફિક સાઇટ્સ પરથી મળેલી અધૂરી કે ખોટી માહિતીના આધારે સબંધ બાંધવામાં આવે, ત્યારે યોગ્ય જ્ઞાનના અભાવે થયેલી ભૂલના પરિણામે આ સ્થિતિ ઉદ્ભવી શકે છે.
માનસિક તણાવ
આજના ગળાકાપ હરીફાઇના યુગમાં સ્ત્રીઓ અને પુરુષોમાં અસ્ત-વ્યસ્ત જીવનશૈલી, કામના દબાણ, તણાવ અને માનસિક તંગદિલીને કારણે પણ જાતીય સબંધ બાંધવાની ઇચ્છા ઓછી થઇ જાય છે. ડૉ.ક્રિષ્નનના મતે, વર્તમાન સમયનો માનસિક તણાવ જાતીય સબંધની ઇચ્છા ઘટવા પાછળનું સૌથી મોટું કારણ ગણાય છે.
પારસ્પરિક મતભેદ
ઘણી વખત, જ્યારે દંપતી વચ્ચે પારસ્પરિક સમજૂતી ન હોય અને બન્ને વચ્ચે મતભેદો પ્રવર્તતા હોય, તો તેની અસર જાતીય સબંધ પર પણ પડી શકે છે.
શીઘ્ર સ્ખલન
શીઘ્ર સ્ખલન એટલે જાતીય સબંધ દરમિયાન પુરુષો વહેલું સ્ખલન થઇ જાય છે. આવી સ્થિતિમાં પુરુષો લઘુતાગ્રંથિથી પીડાવા માંડે છે અને તેના કારણે જાતીય સબંધ બાંધવાની ઇચ્છામાં ઘટાડો થવા લાગે છે. એવું જોવા મળ્યું છે કે, જાતીય સબંધ દરમિયાન નર્વસ થવાથી કે વધુ પડતા કલ્પનાશીલ થવાથી પણ શીઘ્ર સ્ખલનની સમસ્યા ઉદ્ભવી શકે છે. આ ઉપરાંત, આ માટે શારીરિક સમસ્યા પણ જવાબદાર હોઇ શકે છે.
આ સ્થિતિમાં શું કરવું?
ધૂમ્રપાન, શરાબ અને નશીલા દ્રવ્યોના સેવનથી દૂર રહો.
જો તમને કોઇપણ પ્રકારની શારીરિક સમસ્યા, તણાવ કે ડિપ્રેશન જણાય, તો ડૉક્ટરનો સંપર્ક સાધવામાં વિલંબ કરશો નહીં.
તમારા પાર્ટનર સાથે તંદુરસ્ત સબંધ રાખવો, જેમાં તમે તમારા જાતીય જીવન વિશે તમારા પાર્ટનર સાથે મુક્તપણે ચર્ચા કરી શકો.
સબંધમાં નવીનતા જાળવવાનો પ્રયત્ન કરો. જાતીય સબંધની વાત આવે, ત્યારે તમે તમારા પાર્ટનર સાથે હંમેશા કશુંક નવું કરવાનો પ્રયત્ન કરી શકો છો.
સારૂં શારીરિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે તમારા આહાર પર ખાસ ધ્યાન આપો. તમામ તાજાં અને મોસમી ફળો અને શાકભાજીના સેવન સાથે પોષણયુક્ત આહાર લો.
આહાર ઉપરાંત પ્રવાણી પણ પુષ્કળ માત્રામાં લો. સમગ્ર દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું રાખો.
પૂરતી ઊંઘ લેવાનું રાખો. પૂરતી ઊંઘ લેવાથી કામેચ્છા વધે છે.
શક્ય હોય ત્યાં સુધી તણાવને તમારાથી દૂર રાખો અને તમારા મનને શાંત રાખો. આ માટે તમે ધ્યાન પણ કરી શકો છો.