- ન્યુટ્રિશનિસ્ટ શાકભાજી અને ફળો છાલ સાથે જ ખાવાની કરે છે ભલામણ
- શાકભાજી અને ફળોની છાલમાં અનેક પોષક તત્વો હોય છે
- છાલવાળી શાકભાજીમાં 33 ટકા વધુ ફાઇબર અને અન્ય પોષક તત્ત્વો
શું તમે જાણો છો કે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા ઘણા ફળો અને શાકભાજી (Fruits and vegetables) જ્યારે છાલ સાથે ખાવામાં આવે ત્યારે લગભગ 33 ટકા વધુ પોષણ (Nutrition) આપે છે! ચિકિત્સકો ખાસ કરીને ન્યુટ્રિશનિસ્ટ (Nutritionist)સામાન્ય રીતે લોકોને શાકભાજી અને ફળો જેમ કે સફરજન, ટામેટાં, બટાકા, ગાજર, કાકડી અને શક્કરિયાને છાલ સાથે જ ખાવાની ભલામણ કરે છે, કારણ કે તેમની છાલ પોષક તત્વોથી ભરપૂર હોય છે.
શાકભાજી અને ફળોની છાલમાં અનેક પોષક તત્વો
ન્યુટ્રિશનિસ્ટ ડૉ. દિવ્યા શર્મા કહે છે કે, અમુક શાકભાજી અને ફળોની છાલમાં ઘણા બધા એન્ટીઑકિસડન્ટ, ફાઇબર, વિટામિન્સ, આયર્ન અને મિનરલ્સ વગેરે તત્વ મળી આવે છે. તેઓ જણાવે છે કે, છાલ વગરની શાકભાજી કરતાં છાલવાળી શાકભાજીમાં 33 ટકા વધુ ફાઇબર અને અન્ય પોષક તત્ત્વો હોઈ શકે છે.
શું છે કારણ
ડૉ. દિવ્યા જણાવે છે કે, છાલ સાથે શાકભાજી ન રાંધવા કે ફળોને ન ખાવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે તે સ્વાદિષ્ટ ન હોય, ચાવવામાં ખૂબ અઘરા હોય અથવા તેમની ખેતી દરમિયાન તેના પર રસાયણોનો ઉપયોગ થયો હોવાની ચિંતા હોઈ શકે છે. જે એક હદ સુધી સાચું પણ છે. હાનિકારક જંતુનાશકોના ભયથી બચવા માટે જરૂરી છે કે ઘરમાં આવતા તમામ ફળો અને શાકભાજીને સારી રીતે ધોઈને-સાફ કરવામાં આવે અને ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવામાં આવે, પરંતુ અન્ય કારણોની વાત કરીએ તો સ્વાસ્થ્યને સ્વાદથી ઉપર રાખવું વધુ જરૂરી છે.
છાલવાળા ફળો
ડૉ. દિવ્યા કહે છે કે, લોકો સામાન્ય રીતે સફરજન, નાસપતી અથવા જામફળ જેવા ફળો પણ છોલીને ખાવાનું પસંદ કરે છે, જે યોગ્ય નથી. આ ફળોની છાલ ન માત્ર વધુ પોષણ આપે છે, પરંતુ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ અને ચયાપચયને મજબૂત રાખવામાં પણ મદદ કરે છે. એપલના 2 તૃતીયાંશ ફાઈબર તેની છાલમાં હોય છે, જ્યારે તેમાં ક્વેર્સેટિન નામનું એન્ટી-ઓક્સીડેન્ટ પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એ જ રીતે નાશપતી અને જામફળની છાલ પણ વિટામિન-સી અને એન્ટી-ઓક્સિડન્ટ્સ સહિત અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે.
સલાડમાં છાલવાળી શાકભાજી
કાકડી, મૂળા અને ટામેટા જેવી શાકભાજી જેનો સલાડમાં વધુ ઉપયોગ થાય છે, તેનો ઉપયોગ પણ મોટાભાગે લોકો છાલ કાઢીને કરે છે. આવું કરવાનું ટાળવું જોઈએ. ટામેટાંની ત્વચામાં ફ્લેવોનોઇડ નારિંગેનિન વધુ હોય છે, જે સોજો ઘટાડે છે અને અમુક રોગો સામે રક્ષણ આપે છે, જ્યારે ગાજરના વિવિધ સ્તરોમાં બીટા-કેરોટીન, ફાઈબર, વિટામીન K,પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ જેવા આવશ્યક પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તેનું સેવન વજન ઘટાડવામાં તો મદદ કરે જ છે, સાથે જ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ અસરકારક છે. તો કાકડીની છાલ તેનો સ્વાદ બિલકુલ પણ બગાડતી નથી, પરંતુ તેમ છતાં લોકો તેનો સલાડ અને રાયતામાં ઉપયોગ છાલ ઉતારીને કરે છે. આમ કરવાથી છાલ સાથે તેના અડધાથી વધુ પોષક તત્વો પણ કચરામાં ફેંકાઈ જાય છે.
છાલવાળી શાકભાજીઓ
બટાકાંના છોતરા આયરન, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. ડૉ. દિવ્યા જણાવે છે કે બટાકાના છોતરાના સ્વાસ્થ્ય લાભોને લઇને દેશ-વિદેશમાં ઘણી શોધ થઈ છે, જેમાં સંપૂર્ણ સ્વાસ્થ્યમાં ફાયદા થવાની પુષ્ટિ પણ થઈ છે. તો શક્કરિયાના છોતરામાં પણ ફાઇબર, બીટા-કેરોટીન, વિટામીન સી, વિટામિન ઈ, ફોલેટ, પોટેશિયમ અને આયરન જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. આના છોતરામાં જોવા મળતા બીટા એન્ટીઑક્સિડેન્ટ આંખોની રોશનીમાં સુધારો કરવની સાથે સાથે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.
લીલા વટાણાની છાલ પણ ઘણા પૌષ્ટિક તત્વોથી ભરપૂર
કોળાની છાલમાં આયર્ન, વિટામિન A, પોટેશિયમ પણ વધુ માત્રામાં જોવા મળે છે. જો કે લીલું કોળું મોટાભાગના ઘરોમાં છોલ્યા વગર જ બનાવવામાં આવે છે, પરંતુ પીળા કોળાની છાલ થોડી જાડી હોવાથી લોકો તેની છાલ કાઢી નાખે છે. લીલા વટાણાની છાલ પણ ઘણા પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, વિટામિન્સ અને કોપર ભરપૂર માત્રામાં હોય છે.
આ પણ વાંચો: સ્ટ્રોક BRAIN ની બીમારી છે, HEART ની નહીં : World Stroke Day
આ પણ વાંચો: જીવનને બદલી નાખતી હકીકત : Breast Cancer