ભાવનગર: આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કરોડોમાં કિંમત છે તેવી વ્હેલ માછલીની ઉલ્ટી મહુવામાંથી ASPએ ઝડપી લીધી છે. મહુવામાં ઘણા સમયથી સચવાયેલી ઉલ્ટીને પોલીસે ઝડપીને સાથે બે શખ્સો સામે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળી આવેલા ઉલ્ટીના (Ambergris) મુદ્દામાલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયામાં છે.
બાતમીના પગલે મહુવામાં કરાઈ રેડ
ભાવનગર જિલ્લાના મહુવામાં ASP અંશુલ જૈનના માર્ગદર્શન નીચે મળેલી બાતમીને આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં વ્હેલ માછલીની ઉલ્ટી (Ambergris) નો ભાગ મળી આવ્યો છે. ASP અંશુલ જૈને જણાવ્યું હતું કે, મળેલી બાતમીને આધારે મહુવાના ભવાનીનગરમાં શ્રી ચામુંડા ડાઈવર્ક્સ નામના કારખાનામાં મૂલ્યવાન પદાર્થ એમ્બરગ્રીસ ચોરીથી અથવા તો છુપાઈને લાવીને વેચાણ અર્થે રાખવામાં આવ્યું છે. જેને લઈને સ્થળ તપાસ કરતા વ્હેલ માછલીની ઉલ્ટી (Ambergris ) મળી આવી હતી.
કરોડોની વ્હેલની ઉલટી સાથે બે ઝડપાયા
મહુવાના ASP અંશુલ જૈને જણાવ્યું હતું કે, મળેલી બાતમીને આધારે ભવાનીનગરના શ્રી ચામુંડા ડાઈવર્ક્સમાં કારખાનામાં રેડ કરતા 12 કિલોને 30 ગ્રામ જેટલી સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી (Ambergris )નો ભાગ મળી આવ્યો હતો. જેથી બે શખ્સો જયદીપ શિયાળ અને રામજી શિયાળને ધોરણસર અટક કરી ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ક્યાંથી મળ્યો ઉલ્ટીનો ભાગ અને શેમાં થાય ઉપયોગ
ભાવનગર જિલ્લાના મહુવાના એએસપી અંશુલ જૈને જણાવ્યું હતું કે, એમ્બરગ્રીસ પદાર્થનો ઉપયોગ મિડલ ઇસ્ટમાં પર્ફ્યુમ્સ કંપનીઓ અને ચાઈનીઝ મેડિસીનમાં મોટાભાગે થાય છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 12.30 કરોડ છે. ત્યારે આરોપી રામજીને તે દોઢ વર્ષ પહેલાં મહુવાના પીંગળેશ્વર મહાદેવના દરિયા કાંઠેથી મળી આવેલો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે અને તેણે છેલ્લા એક-દોઢ વર્ષથી સાચવીને રાખ્યો હતો. જો કે, તેઓ વેચવાના હતા કે આગળ શું કરવાના હતા તેને લઈને તપાસ ચાલી રહી છે. વ્હેલ માછલી ગુજરાતના સમુદ્રમાં જોવા મળતી હોય છે.