મોરબી: મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેવું પડે છે. છતાં પણ વારો આવશે કે નહીં આવે તેની કોઈ ગેરેન્ટી રહેતી નથી. અરજદારો ચાર ચાર દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે છતાં પણ કોઈ જ કામ નથી થતું.
અરજદારોને ધરમનો ધક્કો: અરજદારોનું કહેવું છે કે, ઘણા સમયથી રાજ્યભરમાં આધારકાર્ડની કામગીરીમાં લોલમલોલ ચાલી રહી છે. આ વિભાગ સ્થાનિક અધિકારીઓને પણ ગાંઠતો નથી. ઉપરાંત ડોક્યુમેન્ટની ક્ષતિઓને કારણે ધડાધડ ઓપરેટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. જો કે આના કારણે સામાન્ય જનતા પરેશાન થઈ રહી છે. હાલ મોરબીમાં આધારકાર્ડના ત્રણ મુખ્ય કેન્દ્રો કાર્યરત છે.
40 જેટલા ટોકન ઇસ્યુ કરવામાં આવે: મોરબી તાલુકા સેવા સદનમાં વહેલી સવારથી આધાર કાર્ડ માટે અરજદારો લાઈનો લગાવે છે. છતાં અમુક લોકોને જ આધારકાર્ડ મળે છે જયારે અન્યને ધરમના ધક્કા ખાવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. અગાઉ માત્ર 40 ટોકન આપવામાં આવતા હતા, પરંતુ ઘસારાને ધ્યાને લઈને જીલ્લા કલેકટરની સુચનાથી હવે બે કીટ કાર્યરત થઇ છે. જેથી દરરોજ 100 જેટલા ટોકન ઈશ્યુ થાય તેવી વ્યવસ્થા કરી રહ્યા છે તેમજ હજુ પણ જરૂર પડ્યે એક કીટ માટે પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય સ્થળે થતી કામગીરીનો લાભ લેવા જાગૃત કરી રહ્યા છીએ: જે મામલે ઇન્ચાર્જ ગ્રામ્ય મામલતદારનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે 'તાલુકા સેવા સદન ખાતે આધાર કાર્ડ કામગીરી થાય છે. જ્યાં પ્રતિદિન અરજદારોનો ઘસારો રહે છે. જો કે તાલુકા સેવા સદન ઉપરાંત પોસ્ટ ઓફિસ, બેંક સહિતના સ્થળોએ પણ કામગીરી થાય છે. જે બાબતે લોકોમાં જાગૃતતા જોવા મળતી નથી અને લોકોને જાગૃત કરી અન્ય સ્થળોએ થતી કામગીરીનો અરજદારો લાભ લે અને લાઈનો ઓછી થાય તેવા પ્રયત્નો તંત્ર કરી રહ્યું છે.'
આ પણ વાંચો: