- કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી
- ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો
- મતદારો સોશિયલ ડિસ્ટન્સ જાળવી કરી રહ્યાં છે મતદાન
વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભાની ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં અપક્ષના બે સહિત કુલ ચાર ઉમેદવારો મેદાનમાં છે. જોકે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. આ ચૂંટણી માટે કુલ 2,46,743 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
કાયદો-વ્યવસ્થાના ચુસ્ત અમલ વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન
હાલ તમામ સ્ટાફ ચૂંટણીની પ્રક્રિયામાં કાર્યરત છે. કાયદો-વ્યવસ્થાના ચુસ્ત અમલ વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આ પેટા ચૂંટણીમાં કપરાડા તાલુકાના 128 ગામોના 263 ચૂંટણી મથકો, પારડી તાલુકાના 21 ગામના 69 મતદાન મથક અને વાપી તાલુકાના 13 ગામના 42 મતદાન મથકો પર સાંજના 6 વાગ્યા સુધીમાં 2,45,743 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
સોશિયલ ડિસ્ટન્સ જાળવી કરવામાં આવી રહ્યું છે મતદાન
ઉલ્લેખનીય છે કે, કપરાડા તાલુકાના કાકડકોપર સહિતના ગામના ચૂંટણી મથકો પર કોરોના મહામારીને ધ્યાને રાખી ખાસ તકેદારીના ભાગરૂપે હેન્ડ સેનિટાઈઝર, હેન્ડ ગ્લોવ્ઝ, માસ્ક સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. તમામ મતદારો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવી પોતાનો મત આપી રહ્યાં છે.