કચ્છ : ઋતુઓનો રાજા એટલે કે શિયાળો, મીઠાઈનો કિંગ કહેવાતા અડદિયા ખાવાની આ ઋતુ છે. સામાન્ય રીતે લોકો શિયાળામાં શરીરને ગરમ રાખે તેવી વિવિધ વાનગીનો સ્વાદ માણે છે. પરંતુ અડદિયા ગુજરાતીઓનું લોકપ્રિય શિયાળુ વાનગી છે. જાણો અડદિયા કેવી રીતે બને છે અને તેના ફાયદા શું છે.
વસાણાનો રાજા "અડદિયા" : કચ્છી અડદિયા વિશ્વભરમાં પ્રખ્યાત છે. અડદિયા આમ તો મીઠાઈમાં લેખાય છે, પરંતુ શક્તિવર્ધક વસાણામાં તેનો સમાવેશ થાય છે. અડદિયામાં મુખ્યત્વે અડદની દાળ વપરાય છે, જેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. તો આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે, આ ઉપરાંત તેમાં વિવિધ પ્રકારના ગરમ ગણાતા મસાલા અને તેજાના પણ નાખવામાં આવે છે. માટે જ કહેવાય છે કે શિયાળામાં ઠંડી સામે રક્ષણ મેળવવા માટે તો અડદિયા ખાવા જ જોઈએ.
શિયાળામાં શક્તિવર્ધક કચ્છી અડદિયા : મીઠાઈના વેપારી મૌલિકભાઈ ઠક્કરે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું કે, છેલ્લા 7 દાયકાથી તેઓ આ કચ્છી અડદિયા બનાવી રહ્યા છે. અડદિયામાં અગાઉ 32 પ્રકારના તેજાના અને મસાલા તેમજ જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવતો હતો. સમય જતા અમુક જડીબુટ્ટી હવે નથી મળતી ત્યારે શરીરને ગરમ રાખતા અન્ય તેજા સહિત 48 જેટલા મરી મસાલાનો અડદિયામાં ઉપયોગ થાય છે.
આ અડદિયામાં ઘણા ડ્રાયફ્રૂટ્સ અને 48 જેટલા વિવિધ પ્રકારના તેજાના હોય છે. શિયાળામાં અડદિયા ખાવાના અનેક ફાયદા છે. અંદર ગરમ મસાલા અને તેજાના હોવાથી અડદિયા આખા વર્ષ માટે શરીરને તાકાત પૂરી પાડે છે. ચાલુ વર્ષે હજી ઠંડીનો માહોલ જામ્યો નથી, જેના કારણે રેગ્યુલર ગ્રાહકો જ હાલમાં ખરીદી કરી રહ્યા છે. પરંતુ આગામી સમયમાં જ્યારે ઠંડીનું જોર વધશે ત્યારે અન્ય લોકો પણ વધુ ખરીદી કરશે તેવી આશા વેપારીએ વ્યક્ત કરી છે.
48 પ્રકારના તેજા અને મરી મસાલાથી ભરપૂર : અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, ગાયનું દેશી ઘી, ગુંદર, દૂધ, કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ, એલચી, લવિંગ, તજ, સૂંઠ તેમજ 48 જેટલા વિવિધ મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. અડદિયામાં ભરપૂર માત્રામાં તેજાના હોય છે, જે શિયાળાની ઠંડીમાં ખાસ કરીને તે શરીરને ગરમાહટ તો આપે જ છે, સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ તે ગુણકારી હોય છે. જેથી લોકો શિયાળામાં અડદિયા ખાઈને પોતાની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
પરંપરાગત અડદિયામાં પણ આવી વેરાયટી : સામાન્ય રીતે સરહદી જિલ્લા કચ્છમાં શિયાળાની ફુલગુલાબી ઠંડી વધારે પડે છે. પરંતુ આવી ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે કચ્છના પ્રખ્યાત મસાલાથી ભરપૂર કચ્છી અડદિયાની માંગ વધારે રહેતી હોય છે. હવે તો આ અડદિયમામાં પણ વિવિધ વેરાયટીઓ આવી ગઈ છે. જેમાં રેગ્યુલર અડદિયા, ગોળવાળા અડદિયા એટલે કે ગોળદિયા, ઓછા મસાલા વાળા અડદિયા લાઈટ, સુગર ફ્રી અડદિયા તો વધુ મસાલા વાળા સ્પેશિયલ અડદિયાની વેરાયટી પણ ઉપલબ્ધ છે.
શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી : સામાન્ય રીતે નવરાત્રીના પહેલા નોરતે તેમજ દિવાળીનો તહેવાર સમાપ્ત થાય એટલે મીઠાઈના વેપારીઓ અડદિયા બનાવવાની શરૂઆત કરી દેતા હોય છે. શિયાળાની ઋતુ દરમિયાન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદીયા ખૂબ ઉપયોગી છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન કચ્છમાં કડકડતી ઠંડીનો માહોલ હોય છે, જેના કારણે અડદિયાની માંગ વધારે રહેતી હોય છે.
ઓરીજનલ સ્વાદ માટે ચાખો ખાવડાના અડદિયા : હાલમાં કચ્છમાં અડદિયાના ભાવ રુ.400 થી 1100 પ્રતિ કિલો સુધીના છે. આજે પણ કચ્છ સહિત દેશ-વિદેશમાં અડદિયાની માંગ અકબંધ છે. કચ્છની તમામ મીઠાઈની દુકાનોમાં અડદિયા મળે છે. પરંતુ વિવિધ મસાલાથી ભરપુર અડદિયાનો ઓરીજનલ સ્વાદ ખાવડાના અડદિયામાં મળે છે, જે માત્ર કચ્છ નહીં પણ સમગ્ર ભારતમાં તો પહોંચે છે. સાથે સાથે વિદેશમાં વસતા કચ્છીઓ પણ શિયાળો શરૂ થતા જ પોતાના સગા-સંબંધીઓ પાસે અચૂક અડદિયા મંગાવે છે.
વિદેશમાં પણ કચ્છી અડદિયાની માંગ : કચ્છના અડદિયા ઓસ્ટ્રેલિયા, દુબઈ, કેનેડા, અમેરિકા, લંડન જેવા દેશોમાં પહોંચે છે. ત્યાંના કચ્છી લોકો અડદિયાની રાહ જોતા હોય છે. વિદેશમાં અમુક સ્થળોએ ખૂબ ઠંડી રહેતી હોય છે, ત્યાં અડદિયા ખાઈને લોકોને ગરમી મળતી હોય છે. અડદિયામાં એક ઇનગ્રિડેન્ટ તરીકે ખસખસનો પણ ઉપયોગ થાય છે, જેના પર અમુક દેશોમાં પ્રતિબંધ છે. આથી કચ્છની આ પ્રખ્યાત મીઠાઈ તેવા દેશોમાં એક્સ્પોર્ટ કરી શકાતી નથી.