નર્મદા: આજે મહાશિવરાત્રીનો પર્વ છે. ખૂણે ખૂણે લોકો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. મંદિરમાં જઈ ભગવાન શિવના દર્શન કરી રહ્યા છે અને પૂજા અર્ચના કરી રહ્યા છે. જોકે આમ તો શિવરાત્રીએ શિવની પુજા થતી હોય છે, પરંતુ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ દેવમોગરા ખાતે શિવ નહીં પણ શક્તિની પૂજા થાય છે. અહીં પાંડોરી માતા ના 5 દિવસ ચાલનારા મેળામાં ગુજરાત સહિત ચાર રાજયોમાંથી લાખો આદિવાસી શ્રદ્ધાળુઓ આવે છે અને બાઘા આખળી પુરી કરે છે.
ચાર રાજ્યથી આવે છે લોકો: શિવરાત્રી એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ પણ અહીં નર્મદા જિલ્લામાં મહાશિવરાત્રી પર શિવ નહીં પણ શક્તિની આરાધના સમો પાંડોરી માતા ના ચાર દિવસનો મેળો ભરાય છે. અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદીવાસીઓ આવે છે અને તેમના કુળદેવી પાંડોરી માતાને નમન કરે છે. બાધા આખડી પુરી કરે છે.
ઇતિહાસ: મળતી માહિતી અનુસાર, ઇ.સ. પૂર્વે સન 1085 માં અહીં સાગબારાના રાજવી પરિવાર દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી રાજવી પરિવાર દ્વારા જ અહીં શિવરાત્રી પર પૂજન કરવામાં છે, પરંતુ વર્ષ 1983 થી વ્યવસ્થાના ભાગ રૂપે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે.
પરંપરા અનુસાર નૈવેધ આપવામાં આવે છે: ભારતભરમાં 8 ટકા વસ્તી આદિવાસી છે. તેમાં પણ ગુજરાતમાં વસતા 15 ટકા તથા ભારતભરના આદિવાસીઓની કુળદેવી મા પાંડોરી હોવાથી પાંચ દિવસ ચાલનારા આ મેળામાં આદિવાસીઓની સંખ્યા અગણિત હોય છે. સ્વયં શિસ્તમાં માનનારા આ લોકો 12 થી 48 કલાક લાઈનમાં ઉભા રહીને પણ માતાના દર્શન કરે છે. પરંપરા અનુસાર નૈવેઘમાં આ લોકો નવા વાંસમાંથી બનેલી ટોપલીમાં નવું ઊગેલું અનાજ, બકરો, મરઘી અને દેશી દારૂ સહિત જે માન્યતા માની હોય તે લઇને પરંપરાગત પુજન કરે છે. ઉપરાંત અહીંથી પ્રસાદરૂપે મળેલ ચીજવસ્તુને બારેમાસ અનાજના કોઠારમાં સાચવી રાખે છે.

અડગ શ્રદ્ધા ધરાવતા આદિવાસી માને છે કે, ચોમાસા પછી તરત જ આવતા આ મેળામાં ધન-ધાન્ય કે જે માનતા માની હોય તે ચીજ ચઢાવવાથી બારેમાસ સુખ સમૃદ્ધિ મળે છે. અને તેને કારણે જ દુર દુરથી આદિવાસીઓ દર વર્ષે અહીં આવી માનતા પુરી કરે છે. નીતનવા વસ્ત્રોનો શૃંગાર કરી મેળો મહાલે છે.
આદિવાસીઓની આસ્થા અને શ્રદ્ધા: અનાદિકાળમાં પૌરાણિક જંગલમાં ઋષિમુની સમા ઉભેલા વૃક્ષો વચ્ચે નીરવ શાંત વાતાવરણમાં મા પાંડોરી બિરાજમાન છે. આ પાંડોરી માતાને આદિવાસીઓ મા મેરાલી, માતા યાહામોગી અથવા યાહા મોગરાઇ માતા ના નામથી સંબોધે છે. વર્ષો અગાઉ આ મંદિર સામાન્ય વાંસના ખપેડામાંથી બનાવેલ મકાન જેવું હતું. આજે અહીં લાખોના ખર્ચે નેપાળના પશુપતિનાથની પ્રતિકૃતિ સમાન મંદિર બનાવવામાં આવ્યું છે. દેવમોગરા પાંડોરી માતા આદિવાસી સમાજના કુળદેવી હોય તેની આસ્થા અને શ્રદ્ધા અનેરી છે. અને આ દરપર મન્નત માંગેલ ભક્તની કોઈ મન્નત ખાલી નથી જતી.
પાંડવોથી નામ પડ્યું મા પાંડોરી: લોકવાયકા અનુસાર, પાંડવોના સમયથી આ મંદિર અહીં પ્રચલિત છે. એવી લોકવાયકા પણ છે કે, પાંડવોએ અહીં નિવાસ કરી આ માતાનું પૂજન શિવરાત્રીએ કર્યું હતું અને તેથી જ આ માતાને મા પાંડોરી કહેવાય છે. ત્યારથી જ દર વર્ષે મહાશિવરાત્રીથી 5 દિવસે અહીં મેળો ભરાય છે. આ દરમિયાન અહીં આવતા ભક્તો પણ માના દર્શન કરી ધન્યતા અનુભવે છે. જેને લઈ તંત્ર દ્વારા પોલીસ સુરક્ષાથી લઈ અહીં આવતા ભક્તો માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: