આ ટેકનોલોજી અંગે મુંબઈ ડિવિઝન રેલ્વેના સિનિયર સેક્શન એન્જિનિયર ઇલેક્ટ્રીકલ કોચિંગ સાજીદ ખાનએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રેલ્વે તંત્રના આદેશથી પર્યાવરણને બચાવવા માટે ટ્રેનમાં જર્મન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી પ્રદૂષણ થતું અટકશે અને રેલ્વેને આર્થિક રીતે ઘણો ફાયદો થશે. ટ્રેનમાં ડીઝલ જનરેટરના ઉપયોગથી ટ્રેનના કોચમાં પાવરસપ્લાય આપવામાં આવતો હતો. જેને લઇને વાતાવરણમાં ભારે પ્રદૂષણ ફેલાતું હતુ અને તેનાથી પર્યાવરણને પણ ભારે નુકશાન થવાની સાથે રેલ્વેનું રોજનું હજારો લિટર ડીઝલ બળી જતુ હતું. આ પધ્ધતિને અટકાવી જર્મન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં હેડઓન જનરેશન(HOG)ની મદદથી રેલ્વે એન્જિન માંથી ટ્રેનના દરેક કોચમાં પાવર સપ્લાય આપવામાં આવશે. જેનાથી ડીઝલનો ઉપયોગ બંધ થઈ જશે અને વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતું અટકી જશે.
- શુ છે આ હેડ ઓન જનરેશન સિસ્ટમ ?
અગાઉ એન્જીનની પાછળ એક વિશેષ ડબ્બો હતો જેમાં બે પાવર ગાર્ડ હતા અને એ ડીઝલ જનરેટરથી ચાલતા હતા પરંતુ, જર્મન ટેકનોલોજી દ્વારા એન્જીનના હેડ ઉપરથી સીધો સપ્લાય પાવર ગાર્ડમાં આપી દઈને ટ્રેનના કોચમાં પાવર સપ્લાય આપવામાં આવે છે. જેનાથી ડીઝલ જનરેટર બંધ થઈ જશે.
આ ટેકનોલોજીને લઇને રેલ્વેને એક ટ્રેન ઉપર અઢી કરોડ રૂપિયાનો ફાયદો થશે. આ સાથે ટ્રેનમાં વધુ એક કોચ વધારવા માટેની પણ જગ્યા થશે. આ ઇકોફ્રેન્ડલી પધ્ધતિની વેસ્ટર્ન રેલવે દ્વારા મુંબઈ ડિવિઝનથી શરૂઆત કરવામાં આવી હતી અને મુંબઈ ખાતે આશરે 10 થી 12 જેટલી ટ્રેનો HOG પર ચાલી રહી છે.
જેમાં રાજધાની, અગસ્તક્રાંતિ, શતાબ્દી એક્સપ્રેસ જેવી મુખ્ય ટ્રેનોમાં પણ હેડ ઓન જનરેશનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સાથે બાંદ્રામાં 4 થી 5 ટ્રેનોમાં પણ આની શરૂઆત કરી દેવામાં આવી છે અને વલસાડ ખાતે આ ટેકનોલોજીને પાર પાડવા માટે વલસાડ રેલ્વે તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ એ તનતોડ મેહનત કરી એકજ રાતમાં કામગીરી પૂરી કરી નાખી હતી. વલસાડ ખાતે પ્રથમ ઇન્ટરસિટી ટ્રેનમાં HOG ટેકનોલોજીની શરૂઆત કરી હતી. આવનાર દિવસોમા વલસાડ પૂરી અને વલસાડ જોધપુર ટ્રેનમાં પણ HOGની શરૂઆત કરી દેવામા આવશે.