વલસાડઃ મહત્વનું છે કે કોરોનાની મહામારીને લઈને છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ ખાતામાં એટલે કે વિવિધ શાળા કોલેજો બંધ હાલતમાં છે છતાં પણ ખાનગી શાળાઓમાં ઓનલાઇન શિક્ષણના માધ્યમથી વસૂલવાની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઇને મધ્યમવર્ગીય પરિવારોની સીધી અસર પડી છે. ત્યારે આવા સમયમાં મધ્યમવર્ગીય પરિવારને ધ્યાને લઇને વિપક્ષ એટલે કે કોંગ્રેસ પક્ષ દ્વારા શાળા અને કોલેજના એક સત્રની ફી માફ કરવા અને વસૂલવામાં આવી રહેલી ફીના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા દેખાવો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેને પગલે આજે વલસાડ જિલ્લામાં પણ એન.એસ.યુ.આઇ.ના પ્રમુખ દશરથ કડું અને તેમની ટીમ તેમજ વલસાડ કોંગ્રેસ યુથના કાર્યકરો દ્વારા ધરમપુર ચોકડી પાસે ભેગા થઈ રોડ પર ચક્કાજામ અને વિરોધ દેખાવ કરે તે પૂર્વે સૂત્રોચ્ચાર કરતાં હતાં ત્યારે જ પોલીસ પહોંચી ગઈ હતી.
પોલીસે સાત જેટલા કોંગ્રેસી કાર્યકરો દેખાવ કરી રહ્યાં હતાં ત્યારે ડિટેઈન કરી વલસાડ સિટી પોલીસ મથકે લઇ આવી હતી. પોલીસે ડિટેઇન કરેલા કાર્યકરોમાં મહેશભાઈ પટેલ ,દિવ્યેશ શીંગાડે, રોનક શાહ, વિદુર બહિલમાં, સુનીલ જેરામ પટેલ, અમિતભાઈ નાનુભાઈ પટેલ, આનંદ પારેખ, એન એસ યુ આઈ જિલ્લા પ્રમુખ દશરથ કડુનો સમાવેશ થાય છે. જોકે તે બાદ આ તમામ કાર્યકરોને નામ નોંધી બાદમાં પાછળથી છોડી દેવામાં આવ્યાં હતાં.