- એક વર્ગમાં માત્ર 20 વિદ્યાર્થીઓને જ બેસાડાશે
- વલસાડમાં 87 બિલ્ડીંગ્સના 899 બ્લોકમાં યોજાશે પરીક્ષા
- સવારે 10 વાગ્યાથી શરૂ થશે પરીક્ષા, 1 કલાક પહેલા મેળવવો પડશે પ્રવેશ
વલસાડ : આવતીકાલે ગુરૂવારથી રાજ્યમાં ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓ માટે કોરોનાની વિશેષ કોવિડ ગાઈડલાઈન સાથે બોર્ડની પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે. જેમાં વલસાડ જિલ્લામાંથી 14,496 વિદ્યાર્થીઓ ભાગ લેશે. કોરોનાને લઈને રાજ્ય અને સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સવારે 10 વાગ્યાથી શરૂ થનારી આ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓએ એક કલાક વહેલા પરીક્ષાખંડમાં પ્રવેશ મેળવવાનો રહેશે.
87 બિલ્ડીંગ્સના 899 બ્લોક્સમાં 14,496 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
વલસાડ જિલ્લામાં ધોરણ 10 માટે 20 કેન્દ્રો પર 63 બિલ્ડિંગ્સમાં 627 બ્લોકમાં કુલ 9016 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 કેન્દ્રો પર 8 બિલ્ડિંગ્સના 96 બ્લોકમાં કુલ2417 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 3063 વિદ્યાર્થીઓ 16 બિલ્ડીંગ્સના 176 બ્લોકમાં પરીક્ષા આપશે. આમ, વલસાડ જિલ્લામાં કુલ 23 કેન્દ્રોની 87 બિલ્ડીંગ્સના 899 બ્લોક્સમાં 14,496 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વલસાડ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના અધિકારી કે. એફ. વસાવાના જણાવ્યા પ્રમાણે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.