- કોરોનામાં મોતને ભેટેલા લોકોને 4 લાખનું વળતર કોંગ્રેસ સરકાર આપશે
- ધરમપુરના કાંગવી ગામે કોવિડ-19 ન્યાય યાત્રા સભા યોજાઈ
- ભારત સહિત ગુજરાતમાં પણ બે લાખથી વધુ લોકોના મોત થયા
વલસાડ- કોરોનામાં સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ બે લાખથી વધુ લોકોના મોત થયા છે. જેની પાછળ સામાન્ય જનને આરોગ્યની સવલત આપવામાં હાલની ભાજપ સરકાર નિષ્ફળ નિવડી હોવાના આક્ષેપો આજે ધરમપુર તાલુકાના કાંગવી ગામે કોવિડ-19 ન્યાય યાત્રામાં ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ કર્યા હતા.
આ પણ વાંચો- મોરબી જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ, મોંઘવારી સહિતના મુદ્દે સરકાર પર પ્રહારો
લોકોને ન્યાય મળે તે માટેની પહેલ કરવા કોંગ્રેસ સમિતિએ ન્યાય યાત્રા શરૂ કરી
અમિત ચાવડાએ વિપક્ષ હોવાના નાતે સરકારની સામે આમ જનતાની સાથે રહી લોકોને ન્યાય મળે તે માટેની પહેલ કરવા કોંગ્રેસ સમિતિએ ન્યાય યાત્રા શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન મોતને ભેટેલા લોકોને ચાર લાખ રૂપિયાનું વળતર મળે તે માટે ગામેગામ ફરીને કોંગ્રેસના કાર્યકરો હવે ફોર્મ ભરાવશે અને તેમને ન્યાય અપાવશે.
કોરોનામાં ગુજરાતમાં 2 લાખ કરતા વધુ લોકોના મોત થયા
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, કોરોના દરમિયાન સમગ્ર ભારતમાં 80 લાખ કરતાં વધુ લોકોના મોત નિપજ્યા છે, પરંતુ સરકાર સાચો આંકડો બહાર પાડવામાં આચકાઇ રહી છે, એટલું જ નહીં ગુજરાતમાં પણ ગામેગામ અનેક લોકોના મોત થયા છે. એક અંદાજ લગાવીએ તો ગુજરાતમાં બે લાખ કરતાં વધુ લોકોના મોત થયા છે અને જેની પાછળનું કારણ એક જ છે કે કોરોનાના સમયમાં આમ જનતાને સરકારી દવાખાનાઓમાં સારવાર આપવામાં તેમજ સુવિધાઓ આપવામાં ભાજપની સરકાર નિષ્ફળ નીવડી છે અને તેમની ગંભીર બેદરકારીના કારણે અનેક લોકોના મોત થયા છે.
![કોવિડ-19 ન્યાય યાત્રા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-01-congresscovid19nyayyatra-avb-gj10047_24082021162431_2408f_1629802471_195.jpg)
પાંચ વર્ષ પૂર્ણ ન થયા તે પહેલાં જ પાંચ વર્ષના શાસન પુર્ણ થયાની ઉજવણી
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, એક તરફ ગુજરાતમાં બે લાખ કરતાં વધુ લોકોના કોરોનાના કારણે મોત થયા છે અને તેઓને વળતર આપવાની વાત તો દૂર રહી, પરંતુ ભાજપની સરકાર દ્વારા વિવિધ કાયદાઓ કરી કાર્યક્રમો કરી સરકારી રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. લોકોને આરોગ્ય સવલતો આપવાની વાત તો દૂર રહી, પરંતુ તેમના હજુ માંડ અઢી વર્ષ પૂર્ણ થયા છે તેમ છતાં પણ પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી રહી છે જે કેટલું યોગ્ય કહી શકાય.
![કોવિડ-19 ન્યાય યાત્રા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-01-congresscovid19nyayyatra-avb-gj10047_24082021162431_2408f_1629802471_235.jpg)
મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયા મળશે
સભામાં આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેર મંચ પરથી જાહેરાત કરતા કહ્યું કે, લોકોના ન્યાય માટે હાલ કોંગ્રેસ દ્વારા covid-19 ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મૃતકોના પરિવારને વળતર મળે અને એક વ્યક્તિના મોત દીઠ ચાર લાખ રૂપિયા જેટલું વળતર આપવામાં આવે તે માટે લડત ચલાવવામાં આવી રહી છે, પરંતુ આગામી સમયમાં જો ગાંધીનગર ખાતે કોંગ્રેસની સરકાર બિરાજે તો પ્રથમ કેબિનેટમાં જ મળતાની સાથે મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયા કોંગ્રેસ સરકાર તરફથી આપવામાં આવશે.
![કોવિડ-19 ન્યાય યાત્રા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vld-01-congresscovid19nyayyatra-avb-gj10047_24082021162431_2408f_1629802471_944.jpg)
આ પણ વાંચો- સરદાર પટેલ અને નરેન્દ્ર મોદીની સરખામણી થઈ જ ન શકેઃ કોંગ્રેસ પ્રમુખ
આગામી ચૂંટણીને ધ્યાને લઇ કોંગ્રેસે લોકોની વચ્ચે જઈને પ્રશ્નો હલ કરવા માટે ન્યાય યાત્રાનું કર્યું આયોજન
ધરમપુર તાલુકાના ઊંડાણના ગામમાં કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા સભાનું આયોજન કરવામાં આવ્યું તેમજ નજીકમાં રહેતા એક પરિવારને ત્યાં પણ જઇ મૃતકના સ્વજનોને સાંત્વના આપી 4 લાખ વળતર મળે એ માટે ફોર્મ પણ ભરાવ્યાં હતા. આમ આગામી ચૂંટણીને ધ્યાને લઇ કોંગ્રેસ દ્વારા લોકોની વચ્ચે જઈને લોકોના પ્રશ્નો હલ કરવા માટે ન્યાય યાત્રાનું આયોજન કર્યું હોવાનું જણાવીને ચૂંટણીની તૈયારી અત્યારથી જ આરંભી દીધી છે.