વાપીઃ કોપરલી ચાર રસ્તા નજીક ટાઉન પોલીસ વાહન ચેકીંગમાં હતી તે દરમિયાન દમણ તરફથી આવતી એક કારને રોકીને તપાસ હાથ ધરતા સીટના પાછળના ભાગે બનાવેલા ચોર ખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે કારમાં સવાર ત્રણ યુવકોની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન પકડાયેલા ત્રણ યુવકો પૈકી બે યુવક વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ત્રીજો યુવક નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
વાપીમાં હવે વિદ્યાર્થીઓ પણ ચડયા દારૂની ખેપના રવાડે પોલીસે કુલ રૂપિયા 3,23,250 નો મુદ્દામાલ કબ્જે કરીને ગેરકાયદેસર રીતે દારૂ લઇ જતા પ્રણવ પટેલ સહિત ત્રણ યુવકોની અટક કરીને કોવિડ ટેસ્ટ માટેની તજવીજ હાથ ધરી છે. તો બીજા એક કિસ્સામાં વાપી હાઈ વે પરથી ટ્રકમાં ભરેલો રૂપિયા 8.36 લાખના દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.વાપી નેશનલ હાઇવે પર આર.આર. સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મળેલી બાતમી અનુસાર વલસાડી જકાતનાકા નજીક વોચ ગોઠવી ટ્રકને રોકીને તપાસ હાથ ધરવામાં આવતા મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રક ચાલક ટીલું સોનબોરાની પૂછપરછ કરતા આ જથ્થો સુરત લઇ જવાતો હોવાનું સામે આવ્યું હતું. આર આર સેલે 8,36,400 રૂપિયાનો દારૂ-બિયરનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂપિયા 18,36,900 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ટ્રક ચાલક ટીલું સોનબોરાની પૂછપરછ કરતા આ કેસમાં અલ્પેશ ઉર્ફે પાંડુ માહ્યાવંશી, કિરણ ઉર્ફે લાલુ માહ્યાવંશી, ઉમેશ ઉર્ફે સોમો પટેલ, ગુડડુ અને આ જથ્થો મંગાવનાર મનોજ ચૌધરી સહિત 5 આરોપીને વોન્ટેડ જાહેર કરી તપાસ ટાઉન પોલીસને સોંપી છે.
ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં હાલ બુટલેગરો પર તવાઈ બોલાવાઈ રહી છે. જેમાં બુટલેગરોના અનેક કિમીયાઓમાં મહિલાઓ અને વિદ્યાર્થીઓની સંડોવણી પણ સામે આવતા પ્રબુદ્ધ નાગરિકોમાં યુવાધન ગેરમાર્ગે દોરાઈ રહ્યું હોવાની ચિંતા પ્રસરી છે.