જૂનાગઢ: જિલ્લા પોલીસની કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમ શાખાએ લોકોની મરણમૂડી સમાન સોનાના દાગીના અને રોકડ રકમ પરત આપવી ફરજનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા 15 દિવસો દરમિયાન પોલીસે રૂપિયા 6,50,000 કરતાં વધારેના સોના-દાગીના અને એક લાખ રોકડ મૂળ માલિકને પરત અપાવવામાં મદદ કરી છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ શાખાની ઉત્કૃષ્ટ કામગીરી: જૂનાગઢ જિલ્લા પોલીસની કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમ શાખાની ઉત્કૃષ્ટ કામગીરીનું ઉદાહરણ ફરી એક વખત સામે આવ્યું છે. છેલ્લા 15 દિવસો દરમિયાન નેત્રમ શાખાએ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી લોકોની મરણમ મૂડી અને મિલકત સમાન સોનાના દાગીના અને રોકડ રકમ પરત કરાવીને સાચા અર્થમાં સેવાની ફરજનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 15 દિવસો દરમિયાન ત્રણ વ્યક્તિનો મુદ્દામાલ પરક કર્યો છે.
સોનાના દાગીના અને રોકડ અપાવી પરત: 8 મી નવેમ્બરના દિવસે જયેશ જાડેજા નામના વ્યક્તિ ગાંધીગ્રામથી વંથલી તરફ જઈ રહ્યા હતા. આ સમયે તેમણે હાથમાં પહેરેલી પાંચ તોલા સોનાની લકી કે જેની બજાર કિંમત 4 લાખની આસપાસ થાય છે તે રસ્તામાં ક્યાંક પર પડી ગઈ હતી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી કેમેરાની મારફતે આ લકી અક્ષર મંદિર નજીક રોડ પર પડેલી મળી આવી હતી. જેને અન્ય એક બાઈક ચાલકે ઉઠાવી લીધી હતી.
ઘટના અંગે સીસીટીવીનું ચોક્કસ નિરીક્ષણ કર્યા બાદ પોલીસે લકીને રોડ પરથી ઉઠાવનાર અન્ય બાઈક ચાલક પાસેથી લકી મેળવીને મૂળ માલિક જયેશ જાડેજાને પરત કરી હતી. તો બીજી તરફ તાલાલાના ધવલ ભડારીયા તેમની પત્ની સાથે જૂનાગઢ આવ્યા હતા. અહીં તેઓ કૃષિ યુનિવર્સિટી પાસે નાસ્તો કરવા રોકાયા હતા, જ્યાં તેઓ તેમની બેગ ભૂલી ગયા હતા. જેમાં ત્રણ તોલાના સોનાના દાગીના અને બે એટીએમ રોકડ રૂપિયા 5,000 મળીને કુલ 2,50,000 નો મુદ્દામાલ હતો. આ બેગને અન્ય કોઈ વ્યક્તિ ઉઠાવી લઈ ગયો છે તેવી માહિતી સીસીટીવી દ્વારા મળી આવી હતી. જે બાદ પોલીસે આ વ્યક્તિની ઓળખ કરીને બેગમાં રહેલો તમામ મુદ્દામાલ મૂળ માલિક ધવલ ભડારીયાને પરત અપાવ્યો હતો.
1,00,000 રોકડની બેગ પણ મૂળ માલિકને પરત: બે દિવસ પૂર્વે જૂનાગઢના દિનેશ વઘાસિયા ઝાંઝરડા ચોકડીથી બીલખા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની પાસેની બેગમાં એક લાખ રૂપિયાની રોકડ હતી, પરંતુ આ બેગ રામનિવાસ સર્કલથી બીલખા ગેટ સુધીના કોઈ વિસ્તારમાં પડી ગઈ હતી.આ સમગ્ર ઘટનાની જાણ કમાન્ડર કંટ્રોલ સેન્ટરને થતા આ વિસ્તારના સીસીટીવી તપાસતા કરવામાં આવ્યા હતા. જે દ્વારા જાણવા મળ્યું હતું કે કોઈ અજાણી વ્યક્તિ માર્ગ પરથી આ બેગ ઉપાડીને લઈ ગયો હતો. આ અજાણ્યા વ્યક્તિની તપાસ કરીને પોલીસે તમામ રોકડ સાથેની બેગ મૂળ માલિક દિનેશભાઈ વઘાસિયાને પરત કરાવી હતી. આમ, જે લોકો પાસેથી પડી ગયેલી ચીજ વસ્તુઓ મળી આવી છે તેમને પોલીસે સમજાવીને આ પ્રકારની કોઈ ચીજ-વસ્તુઓ મળે તો પોલીસનો સંપર્ક કરીને તેને સાચા માલિક સુધી પહોંચાડવાની સલાહ પણ આપી હતી.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરે આપી વિગતો: કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના પીઆઇ જતીન મશરૂ અને સમગ્ર કાર્યવાહીનું નિરીક્ષણ જેમના નીચે થાય છે તે વિભાગીય પોલીસ અધિક્ષક અનિલ પટણીએ માધ્યમને વિગતો આપતા જણાવ્યું કે, છેલ્લા 15 દિવસમાં આ પ્રકારની રોકડ અને સોનાના દાગીના મૂળ માલિકને પરત અપાવવામાં પોલીસે પોતાની ફરજ નિભાવી છે. તો બીજી તરફ દિનેશ વઘાસિયાએ પણ માત્ર 20 કલાક જેટલા સમયમાં તેમના એક લાખ રૂપિયા રોકડ તેમને પરત અપાવવામાં પોલીસે જે મદદ કરી છે તે બદલ તેમણે પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: