વલસાડ જિલ્લામાં આવેલા કપરાડા તાલુકાના માંડવા વડદેવી ખાતે આવેલા આંગણવાડીમાં ફરજ બજાવતા આંગણવાડી વર્કર બહેન દ્વારા બાળકો માટે આપવામાં આવતું અનાજ પોતાના ઘરે જ ઉતારી લેતા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યાં છે. તેમજ ગામના બાળકોને તે આંગણવાડી માટે લેવા-મુકવા આવતા નથી. તેમજ રોજ બાળકો આવતા હોવાનું રજીસ્ટરમાં હાજરી પુરી દેતા હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કરી ગુરૂવારના રોજ હોબાળો મચાવ્યો હતો.
ત્યારબાદ આંગણવાડી આધિકારીને જાણકારી આપતા સુપરવાઈઝર બહેન તાલુકા આંગણવાડી અધિકારી સ્થળ ઉપર આવી ચકાસણી કરી હતી. જેમાં તેના રજીસ્ટરમાં કુલ 28 બાળકો બોલતા હતા. તો સ્થળ ઉપર માત્ર 3 બાળકો હતા. તેમજ અનાજનો કેટલોક જથ્થો આંગણવાડી ચલાવતા વર્કર બહેનના ઘરે હોવાનું ધ્યાને આવતા ગુરૂવારના રોજ ગ્રામજનો મોટી સંખ્યામાં આંગણવાડીએ એકત્ર થઈ હોબાળો કર્યો હતો
તો આ અંગે ગ્રામજનોએ માંગ કરી હતી કે, આ વર્કરને અહીંથી હટાવી લઈ તેમના સ્થાને કોઈ અન્યને મુકવામાં આવે જો કે આ બાબતે આંગણવાડી અધિકારીએ તેને એક તક આપવાની વાત કરી નોટીસ આપી હોવાનું જણાવ્યું હતું.
તો રોષે ભરાયેલા ગ્રામજનોએ આંગણવાડીમાં થઈ રહેલા ગેરરિતી બાબતે કપરાડા TDO વિભૂતિ બેનને લેખિતમાં આવેદન પત્ર પાઠવ્યું હતું. સાથે જ વર્કર બહેનો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે એવી માંગ કરી હતી.