સુરત : ઉધના-મગદલ્લા રોડના પંચશીલ નગરમાં એક વૃદ્ધ મહિલાની હત્યાનો બનાવ બન્યો હતો. ખટોદરા પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. જાણો સમગ્ર મામલો...
સુરતમાં ચકચારી હત્યાનો બનાવ : આ અંગે પોલીસ અધિકારી પાસેથી મળતી માહિતી અનુસાર ઉધના-મગદલ્લા રોડના પંચશીલ નગર 1 ના ઘર નં. 90 માં મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના 85 વર્ષીય બંગાલી વૃંદાવન બિસ્વાલ અને તેના પુત્ર ગાંધી વૃંદાવન બિસ્વાલ રહે છે. છેલ્લા છ-સાત મહિનાથી વતનથી માતા બંગાલી પુત્ર સાથે રહેવા આવી હતી.
પુત્રએ માતાના માથામાં માર્યો દસ્તો : પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, કાપડના કારખાનામાં નોકરી કરતા પુત્ર ગાંધી સાથે સોમવારની સાંજે જમવા બાબતે રોજબરોજ ઝઘડો થતો હતો. બંને વચ્ચે જમવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ ઉશ્કેરાટમાં આવી પુત્રએ ખાંડણી દસ્તો વૃદ્ધ માતાના માથામાં મારી દીધો હતો.
પુત્રની પોલીસે ધરપકડ કરી : માથામાં ગંભીર ઈજા સાથે માતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડતા ગાંધી તુરંત જ ઘરેથી ભાગી ગયો હતો. ઘટનાને પગલે પાડોશીઓનું ટોળું એકઠું થઈ ગયું હતું. લોકોએ કંટ્રોલ રૂમમાં જાણ કરતા ખટોદરા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.